April 27, 2024

ગરજ છે એટલે માફી માગે છે, પછી એના જ રંગમાં આવી જશે: ક્ષત્રિય સમાજ

અમદાવાદ: પરશોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ છે ત્યારે આજે અમદાવાદના ગોતા ખાતે ક્ષત્રિય સમાજની એક બેઠક મળી હતી. બેઠક બાદ ક્ષત્રિય સમાજના આગેવાનોએ પરશોત્તમ રૂપાલા સામે પોતાના રોષ ઠાલવ્યો હતો અને પોતાની પાંચ માંગો જણાવી હતી. સાથે જ સમાજના લોકોને પરશોત્તમ રૂપાલા વિરૂદ્ધ મતદાન કરવા અપીલ કરી હતી. ભાજપ દ્વારા પરશોત્તમ રૂપાલાનું નામ કમી કરવામાં ન આવે તો આગામી સમયમાં અમે કાર્યક્રમ આપીશું તેવી ચીમકી પણ ક્ષત્રિય સમાજના આગેવાનોએ ઉચ્ચારી હતી.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ મુખ્ય પાંચ માંગ કરી હતી, જેમાં રાજકોટ લોકસભા બેઠક પરથી રૂપાલાનું નામ કમી થાય તેવી માંગ પણ કરવામાં આવી છે સાથે જ જો પરશોત્તમ રૂપાલાનું નામ કમી કરવામાં ન આવે તો ક્ષત્રિય સમાજ રૂપાલા સામે કાયદાકીય લડત આપીશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો રાજપુત સમાજ વિરોધ કરશે તેવી પણ રાજપુત સમાજના અગ્રણીઓ દ્વારા કહેવામાં આવ્યું છે. વધુમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, રૂપાલાએ અમારી અસ્મીતા પર ઘા કર્યો છે. તેમણે માફી તો માગી છે પરંતુ ગરજ છે એટલે માફી માગે છે, પછી એના જ રંગમાં આવી જશે પરંતુ અમે એમને માફ કરવાના નથી.

આ પણ વાંચો: પૈસા ન હોવાના કારણે ચૂંટણી લડવાથી કર્યો ઇનકાર, જાણો કેટલી છે નિર્મલા સીતારમણની નેટવર્થ?

વધુમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, પરશોત્તમ રૂપાલા સામે કારડીયા, નાડોદા સમાજ એક સાથે છે. અમે ગામે ગામ, તાલુકાએ આવેદનપત્ર આપીશું. પરશોત્તમ રૂપાલાના વિરૂદ્ધ ક્ષત્રિય સમાજે એક થઇ રાજકોટ લોકસભા બેઠક પરથી રૂપાલાનું નામ કમી થાય તેવી માંગ કરી છે. તમને જણાવી દઇએ કે, રાજકોટ જિલ્લામાં ક્ષત્રિય સમાજના 3થી 4 લાખ મત છે અને ગુજરાતમાં 17 ટકા મતદારો ક્ષત્રિય સમાજના છે.

ઉલ્લેખનિય છે કે, એક પ્રચાર કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાએ રાજપુત સમાજની દીકરીઓને લઇ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેને લઇ રાજપુત સમાજમાં રોષ વ્યાપી ગયો છે. રૂપાલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ભારતમાં અંગ્રેજો હતા ત્યારે તેમણે દમન ગુજારેલું હતું, મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા હતા’. જોકે આ વિવાદ બાદ પરશોત્તમ રૂપાલાએ માફી પણ માગી હતી અને જણાવ્યું હતું કે, ‘મારો ઈરાદો વિધર્મીઓએ કરેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો, ‘મારા નિવેદનથી કોઈની લાગણી દુભાઈ હોય તો દિલગીરી વ્યક્ત કરું છું’.