May 6, 2024

ભારતના ડિજિટલ વિકાસના UNમાં વખાણ, અધ્યક્ષે કહ્યું – લાખો લોકોને ફાયદો થયો

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે ભારતના ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી છે. ભારતની પ્રગતિનું ઉદાહરણ આપતા ડેનિસ ફ્રાન્સિસે જણાવ્યુ હતુ કે, ભારતનો વિકાસ એ એક ઉદાહરણ છે કે કેવી રીતે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામાજિક પરિવર્તન અને પ્રગતિ માટેનું એક સાધન છે અને જો તેનો સર્વસમાવેશક રીતે ઉપયોગ કરવામાં આવે તો તે બધા માટે સમાન તકો પૂરી પાડી શકે છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખે મહાસભાના 78મા સત્ર દરમિયાન સંબોધનમાં કહ્યુ હતુ કે, તેઓ આ વર્ષે જાન્યુઆરીમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ સમય દરમિયાન તેઓ ભારતમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા પાયે વિકાસનાં સાક્ષી બન્યા હતા. તેમણે લાખો લોકોને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ દ્વારા નાણાકીય સ્વતંત્રતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવ્યા હતા. તેમણે કહ્યું, ‘જેમ આર્થિક વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે, તેવી જ રીતે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામાજિક પરિવર્તન અને પ્રગતિ માટે એક વાહન તરીકે ઉભરી આવ્યું છે. સર્વસમાવેશક રીતે તેનો અમલ કરીને બધાને સમાન તકો પૂરી પાડી શકાય.’

આ પણ વાંચોઃ લોકસભાની 88 સીટ પર બીજા તબક્કાનું મતદાન

ફ્રાન્સિસે કહ્યું કે માત્ર સાત વર્ષમાં ભારતે તેના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીને તેના નાગરિકો માટે 80 ટકાથી વધુ નાણાકીય સમાવેશ હાંસલ કર્યો છે, જે વિશ્વભરના તમામ ડિજિટલ વ્યવહારોમાં 60 ટકા હિસ્સો ધરાવે છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સિસ્ટમે ઘણી સમસ્યાઓ દૂર કરી છે. તેનાથી નાણાકીય ક્ષેત્રમાં પહોંચ અને શક્તિ વધી છે. સિટીઝન સ્ટેક જેવા મોડલ દક્ષિણ એશિયાના તમામ દેશોમાં લાગુ કરવા જોઈએ. તેનાથી લોકોને અને ખાસ કરીને નબળા વર્ગોના સશક્તિકરણમાં મદદ મળે છે.

આ પણ વાંચોઃ ગુજરાતની લોકસભા બેઠકના ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ

ડેનિસ ફ્રાન્સિસે કહ્યુ કે, વિશ્વના ત્રણ અબજ લોકોએ ક્યારેય ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો નથી. આવી સ્થિતિમાં પ્રાથમિકતા આંતર-સરકારી સ્તરે આ ડિજિટલ વિભાજનને દૂર કરવાની અને એક તૃતીયાંશ વસતિને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાની હોવી જોઈએ. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એડમિનિસ્ટ્રેટર અચિમ સ્ટેઈનરે જણાવ્યું હતું કે, ભારત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં વૈશ્વિક નેતા બની ગયું છે.