May 6, 2024

અમરનાથ યાત્રા કરવા માટે શિડ્યૂલ જાહેર, જોઈ લો તમામ માહિતી

Amarnath yatra schedule declared see registration date and all details

સંજય વાઘેલા, જામનગરઃ તીર્થ સ્થાનોની યાત્રાનું ખૂબ જ મહત્વ રહેલું છે. તમામ તીર્થ સ્થાનોમાં સૌથી વધુ મહત્વ ધરાવતું સ્થળ એટલે કે અમરનાથ. અમરનાથની યાત્રા ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અમરનાથની યાત્રા કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. પર્વતો અને ખૂબ જ ઠંડીવાળા વિસ્તારમાં બાબા અમરનાથની ગુફા આવેલી છે. યાત્રા મુશ્કેલ હોવાને કારણે જ અહીં માર્યાદિત સંખ્યામાં જ ભક્તોને દર્શન કરવાની મંજૂરી આપવામાં આવે છે. અમરનાથની યાત્રા કરવા ઈચ્છતા ભક્તોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય છે. વર્ષ 2024માં અમરનાથ યાત્રાનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થશે અને 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ વખતે લોકસભા ચૂંટણી માટે પ્રવાસનો સમયગાળો 2 મહિનાને બદલે માત્ર 45 દિવસનો રહેશે.

જામનગરમાં હાલ અમરનાથ યાત્રા કરવા ઈચ્છતા લોકો માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જામનગરમાં હવાઈ ચોકમાં ભુજિયા કોઠા સામે પંજાબ નેશનલ બેંકમાં અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે સૌપ્રથમ બેંકમાંથી ફોર્મ લેવાનું હોઈ છે. ફોર્મ બાદ મેડિકલ સર્ટી કઢાવવું ફરજીયાત હોય છે. જે સરકારી હોસ્પિટલમાંથી મળે છે, આ સર્ટીફિકેટમાં યાત્રી ફિટ હોઈ તેને જ અમરનાથ યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ ગુજરાત ATSએ હથિયાર વેચાણનું નેટવર્ક ઝડપ્યું, 6 આરોપીની ધરપકડ

અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશન માટે બેંકમાં ફોર્મ લેવાનું હોય છે. આ ફોર્મ સાથે મેડિકલ સર્ટીફિકેટ જોડવાનું હોય છે. ત્યારબાદ ફોર્મ સાથે 150 રૂપિયાની ફી ભરવાની હોય છે. ફોર્મની ફી ભર્યા બાદ બેન્ક મેનેજર સંપૂર્ણ વિગત ચેક કરીને ઓનલાઇન ફોર્મ ભરે છે. જે ભક્ત અમરનાથ યાત્રા કરવા જઈ રહ્યા છે તેમણે ઇમર્જન્સી કોન્સ્ટેક ફરજિયાત લખાવવાના હોય છે. એટલું જ નહીં, રજિસ્ટ્રેશન તારીખ જે દિવસની હોય છે એ દિવસે જ એન્ટ્રી મળે છે. વહેલું કે મોડું થાય તો યાત્રામાં જાવા દેવામાં આવતા નથી.

અમરનાથ યાત્રામાં રજિસ્ટ્રેશન કરાવવા માટે ભક્તોને બ્લડ ગ્રુપની માહિતી સહિત આધાર કાર્ડ, ફોટોગ્રાફ અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર પડશે. દરેક મુસાફર માટે મેડિકલ ચેકઅપ ફરજિયાત છે. 6 અઠવાડિયા કે તેથી વધુની ગર્ભવતી મહિલાઓ અમરનાથની મુલાકાત લઈ શકતી નથી. અમરનાથની યાત્રા કરનારા યાત્રિકોને ઘણી ઊંચાઈએ જવું પડે છે. તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. તેથી અસ્થમા અને ફેફસા સંબંધિત સમસ્યાઓથી પીડિત ભક્તોને આ યાત્રા માટે તબીબી રીતે યોગ્ય ગણવામાં આવતા નથી.