April 27, 2024

નેશનલ સ્ટોક એક્સચેન્જમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી

National Stock Exchange: નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSEને બોમ્બથી ઉડાવી નાંખવાની ધમકી મળી છે. અજ્ઞાત કોલરે ફોન કરીને આ ધમકી આપી છે. તેણે કહ્યું કે, ભારતના શેર વેચીને અમેરિકાના શેર નહીં ખરીદવામાં આવે તો સમગ્ર ઈમારતને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. ધમકી મળ્યા બાદ NSE ઓફિસમાં કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

મધ્ય પ્રદેશના ઈન્દોરના ખજરાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના કર્મચારીઓને એક અજ્ઞાત ફોનકોલ આવ્યો હતો. જેમાં NSEના કર્મચારીઓને બિલ્ડિંગ સમેત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે ખજરા પોલીસ સ્ટેશનમાં માહિતી આપવામાં આવી છે. જે બાદ સમગ્ર ઘટના વિશે કંપનીના અધિકારીઓએ પોલીસના અધિકારીઓને જણાવી.

ઘટનાની જાણકારી બાદ ખજરા પોલીસના બીડીએસની સાથે મળીને ઓફિસની ચેકિંગ કરાવી હતી. ઈન્દોર ક્રાઈમબ્રાંચના એડિશનલ ડીસીપી રાજેશ દંડોતિયાના જણાવ્યા અનુસાર રિકોર્ડ ફોનના માધ્યમથી ધમકી આપવામાં આવી છે. ફરિયાદના તુરંત બાદ બોમ્બ સ્કોડની ટીમે આખી બિલ્ડીંગમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. ડીસીપી રાજેશ દંડોતિયાએ આ અંગે વધુમાં કહ્યું કે, આવા ફોન દેશભરની સ્ટોક માર્કેટની ઓફિસોમાં આવી રહ્યા છે. આથી તેની તપાસ ચાલી રહી છે. જલ્દી જ ફોન કરનાર વ્યક્તિની તપાસ કરીને ટ્રેસ કરવામાં આવશે.