April 27, 2024

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે પાસપોર્ટ સાથે બાંગ્લાદેશી યુવકની ધરપકડ કરી

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક બાંગ્લાદેશીની બે પાસપોર્ટ સાથે ધરપકડ કરી છે. આરોપીએ બાંગ્લાદેશની સાથોસાથ ભારતનો પાસપોર્ટ પણ નકલી પુરાવાના આધારે બનાવી લીધો હતો અને આરોપી 2001થી ભારતમાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી બાંગ્લાદેશથી યુવતીઓ મંગાવી દેહ વેપારનો ધંધો ચલાવતો હતો. હ્યુમન ટ્રાફિકિંગનું પર્દાફાશ થતા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને તપાસ શરૂ કરી.

ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડી માં આવેલ આરોપીનું નામ મોહમ્મદ લાભુ સરદાર છે. આરોપી મૂળ બાંગ્લાદેશનો છે અને 2001માં ગેરકાયદેસર રીતે ગુજરાત આવી ગયો હતો. આરોપીએ 12 વર્ષ પેહલા સરદારનગરના રેહવાસી રમેશ નામના વ્યક્તિ મારફતે ખોટુ ચૂંટણી કાર્ડ 3000 હજાર આપીને બનાવેલ અને ત્યારબાદ આધાર કાર્ડ, પાન કાર્ડ બનાવેલુ હતું. આ બનાવટી દસ્તાવેજો દ્વારા આરોપીએ 2015 માં ભારતનો પાસપોર્ટ બનાવ્યો હોવાનું ખુલ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે બાંગ્લાદેશના નાગરિક મોહમદ લાભુ સરદારની ધરપકડ કરીને પાસપોર્ટ સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા છે.

આ પણ વાંચો: ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2024માં ગુજરાત પોલીસે ગોલ્ડ જીત્યો

આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ તેના મિત્ર જે મલેશિયામાં રહે છે તેના સાળાના મારફતે કોલકત્તાના એક એજન્ટને મલેશિયાના વિઝા માટે ભારતીય પાસપોર્ટ આપેલો હતો. અને રૂ.30 હજારમાં મલેશિયાના વિઝા આપવાનું નક્કી થયેલ હતું. પંરતુ જેતે એજન્ટનું અકસ્માતમાં મોત થઈ ગયું હતું. જેથી તેનો ભારતીય પાસપોર્ટ કોલકતામાં એજન્ટના ઘરે હતો. જ્યારે બાંગ્લાદેશનો પાસપોર્ટ બાંગ્લાદેશમાં હોવાનુ સામે આવ્યું છે. એટલું જ નહીં આ આરોપીએ 2015માં ચૂંટણીકાર્ડ અને વેસ્ટ બંગાળનો જન્મનો દાખલો બતાવીને પાસપોર્ટ મેળવેલ હતો.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બાંગ્લાદેશથી યુવતીઓ ભારતમાં લાવીને દેહ વેપારના ધંધામાં મોકલતો હતો અને જેના રૂપિયા તે યુવતીઓના પરિવારને બાંગ્લાદેશ મોકલતો હતો. આરોપી પોતે 3 વખત બાંગ્લાદેશ પણ જઈ આવ્યો છે અને અમદાવાદમાં મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરીને રેહતો હતો. આરોપીએ 2 વાર વોટિંગ પણ કર્યા હોવાનું સામે આવ્યું છે. હાલમાં તો આરોપીએ કેટલા બાંગ્લાદેશીઓને આ પ્રકારે નકલી પુરાવા બનાવી આપ્યા છે તેની સાથે બીજા કોણ સંડોવાયેલા છે તેમજ ભારતીય પાસપોર્ટ જે કોલકત્તા છે તે મેળવવા ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે.