April 28, 2024

ગુજરાત સરકાર દ્વારા EV પર સબસીડી બંધ કરાતા ગ્રાહકોમાં મોટો ઘટાડો

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: મોંઘવારીના સમયમાં પેટ્રોલ અને ડિઝલના ભાવો આસમાને પહોચ્યા છે અને તેના કારણે લોકો ઇલેક્ટ્રીક વ્હીકલ તરફ વળ્યા હતા. માર્કેટ શેરની વાત કરવામા આવે તો માર્કેટ શેર 6 ટકાએ પહોચી ચુક્યુ હતુ પરંતુ જે રાજ્ય સરકાર દ્વારા સબસીડી બંધ કરી દેવામા આવતા ઇવીના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.

એકતરફ સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટ ઘટાડીને EV ના વપરાશ પર ભાર મુકી રહી છે અને તે માટે તમામ EV ખરીદનાર ચાલકોને સરકાર દ્વારા સબસીડી આપવામા આવતી હતી પરંતુ ગત ઓક્ટોબર મહિનાથી ગુજરાત સરકાર દ્વારા સબસીડી બંધ કરી દેવામા આવતા ઇલેક્ટ્રીક વ્હીકલ ખરિદનારની સંખ્યમાં મોટો ઘટાડો નોંધાયો હતો.

સબસીડીને કારણે ઇવીનું માર્કેટ 6 ટકા સુધી પહોચી ચુક્યુ હતુ પરંતુ તે બંધ કરી દેવામા આવતા હવે તે ઘટીને 3.5 ટકાથી 4 ટકા સુધી પહોચી ચુક્યુ છે. ફેબ્રુઆરી માસની વાત કરવામા આવે તો ગત 2023 ફેબ્રુઆરીમાં ઇવીનુ વેચાણ 7154 થયુ હતુ એટલે કે માર્કેટ શેર 5.46 ટકાનો હતો પરંતુ ચાલુ વર્ષે તે વધવાને બદલે 5947 યુનીટ વેચાણ થતા માર્કેટ શેર 4.3 ટકાએ પહોચ્યુ છે.

આ મામલે ફાડાના સભ્ય પ્રણવ શાહના જણાવ્યા અનુસાર, ઇલેક્ટ્રીક વાહનના વેચાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બંને સરકારો ગ્રાહકોને સબસીડી આપતી હતી. જેમાં કેન્દ્ર સરકાર તરફથી 21 હજાર રૂપિયા સબસીડી મળતી હતી. જે ઘટાડીને 10 હજાર કરવામા આવી છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા ટુવ્હીલર માટે 20 હજાર રૂપિયા સબસીડી મળતી હતી પરંતુ તે બંધ કરી દેવામા આવી છે. સરકારે બજેટમાં 1.10 લાખ ટુવ્હીલરને, 20 હજાર કાર્સ અને 70 હજાર થ્રી વ્લીહર માટે ફાળવાવમાં આવનાર હતા. જેમાં ટુવ્હીલરની સબસીડી પુર્ણ થઇ છે. જ્યારે કાર 10 હજાર નોંધાઇ છે. ઉપરાંત રિક્ષા પણ 10 હજાર ન વેચાતા સબસીડી ટુવ્હીલરમા ટ્રાન્સફર માટે સરકારમાં ઓટો ડિલર્સે રજુઆત કરી છે. એક સમયે રાજ્યમાં માસિક 1 હજારથી વધુ EV ટુવ્હીલરનું વેચાણ થતુ હતુ, જે આજે ઘટીને 250 થઇ ગયુ હોવાનુ ડીલર્સે જણાવ્યુ હતુ.

EVના ડિલર માલવ શાહનું કહેવું છે કે,  ઓટો ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં પોતાનું કરોડો રૂપિયાનુ રોકાણ કરી રહી છે અને જ્યારે ગુજરાત સરકાર પણ ગો ઇલેક્ટ્રીકનો નારો આપીને લોકોને પ્રોત્સાહીત કરી રહી છે ત્યારે જો ઇવીનું વેચાણ વધારવું હોય તો રાજ્ય સરકાર દ્વારા સબસીડી ફરથી શરૂ કરવી જોઇએ. જો એમ થશે તો જ પ્રદુષણમુક્ત ગુજરાત આપણે બનાવી શકીશુ.