May 13, 2024

ગુજરાત યુનિવર્સિટીએ શરૂ કર્યા 6 ઓનલાઈન કોર્સ, હવે તમે ઘરે બેઠા ભણી શકશો

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: ભારતની ટોપ રેન્કિંગ ધરાવતી ગુજરાત યુનિવર્સિટી આગામી સત્રથી UGC માન્યતા પ્રાપ્ત 3 સ્નાતક અને 3 અનુસ્નાતક અભ્યાસક્રમો ઓનલાઈન માધ્યમથી શરુ કરશે. ગુજરાત યુનિવર્સિટીના છ અભ્યાસક્રમોને ઓનલાઈન માધ્યમથી ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી આગામી શૈક્ષણિક વરસ થી સ્નાતક અભ્યાસક્રમો માં BA in English, B Com General, BCA અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં MA in English, M Com General, M Sc in Mathematics શરૂ કરવામાં આવશે

ગુજરાત યુનિવર્સિટીના આ અભ્યાસક્રમો સો ટકા ઓનલાઈન માઘ્યમથી ચલાવવામાં આવશે. વિશ્વના કોઈપણ ખુણામાંથી વિદ્યાર્થી આ કોર્ષમાં પ્રવેશ મેળવી શકશે. આ છ કોર્ષમાં પ્રવેશથી લઈને પરીક્ષા સુધી તમામ પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી જ થશે. વિદ્યાર્થીઓ તેમના સમયે અભ્યાસ કરી શકશે. ઓનલાઈન માધ્યમથી અભ્યાસક્રમો ચલાવવા માટે વર્લ્ડક્લાસ પોર્ટલ યુનિવર્સિટી દ્વાર તૈયાર કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ તેમના સ્માર્ટફોન, ટેબ્લેટ લેપટોપ અને કોમ્યુટર વગેરેથી આ અભ્યાસક્રમોમાં જોડાઈ શકશે. આ અભ્યાસક્રમો મુક પધ્ધતિથી રજુ કરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીની જાહેરાત મુજબ ઓનલાઇન કોર્સમાં બે વાર એડમિશન પ્રક્રિયા યોજાશે. જેમાં વિશ્વના કોઈપણ ખુણેથી કોઈપણ વ્યક્તિ અભ્યાસક્રમની લઘુત્તમ લાયકાત ધરાવતા હશે તેને પ્રવેશ આપવામાં આવશે. આ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીને ભારતની કે વિશ્વની કોઈપણ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા પાત્રતા મળશે. વિદ્યાથીઓને 30 માર્કસની ઇન્ટરનલ અને 70 માર્કસ એક્સટર્નલ પરિક્ષા આપવાની રહેશે. મહત્વનું છેકે, યુનિવર્સિટીના આ છ ઓનલાઈન કોર્ષમાં વિદ્યાર્થીઓ એક સાથે બે કોર્સમાં એક જ સમયે અભ્યાસ કરીને ડ્યુઅલ ડીગ્રી મેળવી શકશે. આ ઉપરાંત ઓનલાઇન ડિગ્રીથી વિદ્યાર્થીઓ અન્ય યુનિવર્સિટીમાં પણ એડમિશન મેળવી શકશે.