May 13, 2024

મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ, રિવરફ્રન્ટ પર ડ્રોન શો યોજાયો

અમદાવાદઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતગર્ત અમદાવાદ શહેર અને જિલ્લામાં 7મી મેના રોજ મતદાન યોજાવવાનું છે. ત્યારે   જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ અનેક ખાનગી સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે મુખ્ય નિર્વાચીન અધિકારી કચેરી ગાંધીનગર, અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રેડ એફએમના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ ખાતે મતદાન જાગૃતિ માટે ડ્રોન શો તેમજ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ડ્રોન શોમાં 100 જેટલા ડ્રોનથી મતદાન જાગૃતિને લઈને વિવિધ મેસેજ આપવામાં આવ્યા હતા. આ સાથે મ્યુઝિકલ નાઈટ તેમજ કાવ્યપઠનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સિંગર દ્વારા મ્યુઝિકલ પરફોર્મન્સ સાથે મતદાન જાગૃતિનો મેસેજ આપવામાં આવ્યો હતો. આ સાથે વિવિધ કવિ અને કવિયત્રીઓ દ્વારા પણ મતદાન જાગૃતિનો મેસેજ આપતા કાવ્યો રજૂ કરી મતદાનનો સંદેશ અપાયો હતો. આ ઉપરાંત અમદાવાદની ફૂટબોલ ટીમ અમદાવાદ એવેન્જર્સના ખેલાડીઓએ દ્વારા લોકો વધુમાં વધું મતદાન કરે એ માટે મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ અવસરે સંયુક્ત નિર્વાચન અધિકારી પી.ડી. પલસાણા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.એમ ત્રિવેદી, અમદાવાદના અધિક ચૂંટણી અધિકારી યોગેશ ઠકકર, અમદાવાદના અધિક ચૂંટણી અધિકારી નેહાબેન ગુપ્તા તેમજ રેડ એફ.એમના આરજે દેવકી તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.