May 5, 2024

ઓળખકાર્ડ વિના પણ કરી શકશો મતદાન, જાણો કેવી રીતે

Election 2024: ચૂંટણીપંચે કહ્યું કે, મતદારો ઓળખપત્ર ન હોવાથી બીજા ઓળખપત્ર બતાવીને મતદાન કરી શકશે. આયોગે રાજ્યોના ચૂંટણી અધિકારીઓને કહ્યું કે, જો ઓળખપત્રના આધારે કોઈ મતદાતાની ઓળખાણ થઈ શકે છે તો કારકુની અથવા જોડણીની ભૂલોને અવગણવી જોઈએ. કોઈ પણ મતદાતા તેમના મતદાનના અધિકારથી બાકી ના રહી જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

કમિશને કહ્યું કે, અન્ય કોઈપણ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી નોંધણી અધિકારી દ્વારા જારી કરાયેલ મતદાર ઓળખ કાર્ડને ઓળખ માટે સ્વીકારવામાં આવશે. જો મતદારનું નામ મતદાન મથકની મતદાર યાદીમાં હોય જ્યાં તે મતદાન કરવા ગયો હોય. ફોટો મેળ ખાતો ન હોવાના કિસ્સામાં મતદારે ચૂંટણી પંચ દ્વારા સૂચિબદ્ધ વૈકલ્પિક ફોટો દસ્તાવેજોમાંથી એક રજૂ કરવાનું રહેશે.

આ પણ વાંચો: સુવિધાઓ ન મળતા હારીજના રહીશોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી

ગયા મહિને જાહેર કરાયેલા આદેશમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે, જે મતદારો ઓળખ કાર્ડ રજૂ કરી શક્યા નથી. તેઓએ તેમની ઓળખ સ્થાપિત કરવા માટે ફોટો ઓળખ કાર્ડમાંથી કોઈ એક કાર્ડ રજૂ કરવું પડશે. જેમાં આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસમાંથી જારી કરાયેલ ફોટો સાથેની પાસબુક, શ્રમ મંત્રાલય તરફથી જારી કરાયેલ આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર હેઠળ ભારતના રજિસ્ટ્રાર જનરલ તરફથી આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડનો સમાવેશ થાય છે.

આ દસ્તાવેજો પણ માન્ય રહેશે
ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેનો પેન્શન દસ્તાવેજ, કેન્દ્ર અથવા રાજ્ય સરકારો અથવા PSUsના કર્મચારીઓને જારી કરાયેલા ફોટા સાથેનું સેવા આઈ-કાર્ડ, સાંસદો, ધારાસભ્યો અને MLCને જારી કરાયેલ સત્તાવાર ઓળખ કાર્ડ અને સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલ ચોક્કસ વિકલાંગતા આઈ-કાર્ડ સ્વીકારવામાં આવશે. તેમના ભારતીય પાસપોર્ટમાં વિગતોના આધારે મતદાર યાદીમાં નોંધાયેલા વિદેશી ભારતીયોની ઓળખ તેમના અસલ પાસપોર્ટના આધારે જ મતદાન મથક પર કરવામાં આવશે અને અન્ય કોઈ ઓળખ દસ્તાવેજની જરૂર નહીં રહે.