May 18, 2024

ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં 3 ભારતીયોની ધરપકડ, કેનેડા પોલીસની પ્રતિક્રિયા

કેનેડા: ગયા વર્ષે ખાલિસ્તાની આતંકવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંબંધમાં કેનેડિયન પોલીસે શુક્રવારે ત્રણ ભારતીયોની ધરપકડ કરી હતી. રોઇટર્સના અહેવાલ મુજબ, પોલીસે કહ્યું કે તેઓ તપાસ કરી રહ્યા છે કે શું આ લોકોનું ભારત સરકાર સાથે જોડાણ હતું. નિજ્જરને જૂનમાં સરેના વેનકુવર ઉપનગરમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે મોટી શીખ વસ્તી ધરાવતા વિસ્તાર છે. થોડા મહિના પછી કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર હત્યામાં સંડોવણીનો આરોપ મૂક્યો. જે બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખૂબ જ તંગ બની ગયા હતા.

ભારતે ટ્રુડોના આરોપોને “વાહિયાત” અને “પ્રેરિત” ગણાવીને ફગાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.

ત્રણેય આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં હતા
શુક્રવારે ધરપકડની જાહેરાત કરતા સુપરિન્ટેન્ડેન્ટ મનદીપ મુખરે જણાવ્યું હતું કે ત્રણ શંકાસ્પદ 22 વર્ષીય કરણ બ્રાર, 22 વર્ષીય કમલ પ્રીત સિંહ અને 28 વર્ષીય કરણ પ્રીત સિંહ છે. તેમણે કહ્યું કે ત્રણેય એડમોન્ટન, આલ્બર્ટામાં રહેતા હતા જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટના રેકોર્ડ દર્શાવે છે કે તેના પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડર તેમજ હત્યાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું કે તમામ ત્રણથી પાંચ વર્ષથી કેનેડામાં હતા. ‘અમે ભારત સરકાર સાથે તેના સંબંધોની તપાસ કરી રહ્યા છીએ, જો કોઈ હોય તો.’ આવું મુખરેએ જણાવ્યું છે.