April 27, 2024

લોકસભા ચૂંટણી પહેલા મનરેગાના વેતનમાં કરાયો વધારો

MGNREGA: કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા અંતર્ગત કામ કરતા કામદારોની મજુરીમાં વધારો કર્યો છે. આ વધારો 3 ટકાથી લઈ 10 સુધીનો છે. આજે આ સંબંધિત નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. જેમાં લોકસભા ચૂંટણી પહેલા વધારવામાં આવેલા આ દર નાણાકીય વર્ષ 2024-25 માટે છે એટલે કે મનરેગા મજુરોને 1 એપ્રિલ, 2024થી નવા વેતન દરો લાગુ થશે.

નોટિફિકેશન અંતર્ગત ઉત્તરપ્રદેશ અને ઉતરાખંડમાં 2023-24ની તુલનામાં 2024-25માં મજુરીના દરમાં ઓછામાં ઓછો 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તો ગોવામાં સૌથી વધારે મજૂરી દરમાં વધારો કરવામાં આવ્યો છે. ગોવામાં 10.6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકાર તરફથી દરમાં એવા સમયે વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પશ્ચિમ બંગાળ રાજ્યમાં મનરેગાના ફંડને રોકવાનો વિવાદ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો: અદાણી પાવરને CCIથી મળી લીલી ઝંડી, લેન્કો અમરકંટક હવે અદાણીનું…

મનરેગના નોટિફિકેશન માટે ચૂંટણી પંચે આપી રજા
માહિતી અનુસાર, ગ્રામીણ વિકાસ મંત્રાલયે મજૂરી દરોમાં વધારો કરવાની નોટિફિકેશન કરતા પહેલા ચૂંટણી કમિશનર પાસે પરવાનગી માંગી હતી. લોકસભા ચૂંટણીને લઈ હાલ દેશમાં આદર્શ આચાર સંહિતા છે. આથી ચૂંટણી કમિશનર પાસેથી મંજૂરી મળ્યા બાદ જ મંત્રાલયે નોટિફિકેશન જાહેર કરી છે. મહત્વનું છેકે, મજુરી દરમાં વધારો કરવાની પ્રક્રિયા નિયમિત છે.

સંસદમાં વેતન વધારવાના સંકેતો આપવામાં આવ્યા હતા
આ વર્ષે સંસદમાં રજૂ કરાયેલા અહેવાલમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પરની સંસદીય સ્થાયી સમિતિએ રાજ્યોમાં મનરેગાના વેતન દરોમાં તફાવત વિશે માહિતી આપી હતી. સમિતિએ કહ્યું કે, હવે જે વેતન આપવામાં આવી રહ્યું છે તે પૂરતું નથી. જો આપણે વર્તમાન જીવન ખર્ચ પર નજર કરીએ તો વેતન દર પૂરતો નથી. સંસદીય સ્થાયી સમિતિએ લઘુત્તમ વેતન અંગે કેન્દ્ર સરકારની સમિતિ ‘અનુપ સત્પથી સમિતિ’ના અહેવાલને પણ ટાંક્યો હતો. ભલામણ કરવામાં આવી હતી કે મનરેગા કાર્યક્રમ હેઠળ વેતન 375 રૂપિયા પ્રતિ દિવસ હોવું જોઈએ. જેના કારણે સરકાર વેતન વધારવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું.

મનરેગા શું છે?
મનરેગા કાર્યક્રમ 2005માં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. તે વિશ્વની સૌથી મોટી રોજગાર ગેરંટી યોજનાઓમાંની એક ગણાય છે. આ યોજના હેઠળ સરકારે લઘુત્તમ વેતન નક્કી કર્યું છે જેના પર ગ્રામીણ વિસ્તારના લોકોને નોકરી પર રાખવામાં આવે છે. મનરેગા હેઠળ કરવામાં આવતી કામગીરી અકુશળ છે, જેમાં ખાડા ખોદવાથી માંડીને ગટર બનાવવા સુધીના કામનો સમાવેશ થાય છે. યોજના હેઠળ, વર્ષમાં 100 દિવસની રોજગારની કાયદાકીય ગેરંટી છે.