May 10, 2024

સુરત ક્રાઇમ બ્રાન્ચે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો, અત્યાર સુધીમાં 9 વાહન ચોર્યા

surat crime branch arrested Ridha vehicle thief stole 9 vehicles

અમિત રુપાપરા, સુરતઃ એક એવા વાહન ચોરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે, જે પોતાના મોજ-શોખ પૂરા કરવા માટે વાહનોની ચોરી કરતો હતો. કડીયા કામની આડમાં વાહન ચોરી કરતા આ રીઢા વાહન ચોરને ઝડપી પાડી ચોરીની એક મોટર સાયકલ ક્રાઈમ બ્રાન્ચે કબ્જે કરી છે. ખટોદરા પોલીસ ચોપડે નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. ઝડપાયેલા આરોપી અગાઉ ખટોદરા, પાંડેસરા, ઉમરા સહિત નવ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં પણ ઝડપાઇ ચુક્યો છે.

સુરતમાં એક એવો વાહન ચોર ઝડપાયો છે, જે બતાવવા પૂરતો માત્ર કડીયા કામ કરતો હતો. પરંતુ કડીયા કામની આડમાં તે વાહન ચોરી કરતો હતો. શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓને ડામવા પેટ્રોલિંગમાં રહેલી ક્રાઈમ બ્રાન્ચે સુરતના ભટાર વિસ્તારમાંથી ચોરીની મોટર સાયકલ સાથે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા આરોપી સોનું ઉર્ફે જેક રાજુ પાડવી ભટાર સ્થિત જોગસ પાર્કમાં આવેલા ફૂટપાથ પર રહે છે અને કડીયા કામ કરે છે. આ કડીયા કામની આડમાં આરોપી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી વાહનોની ચોરી કરે છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં અકસ્માત થતા આણંદની ત્રણ મહિલાના મોત, ડ્રાઇવર સારવાર હેઠળ

સુરતના ખટોદરા વિસ્તારમાંથી ચોરી કરેલા મોટર સાયકલ સાથે ક્રાઈમ બ્રાન્ચે આરોપી સોનું ઉર્ફે જેક રાજુ પાડવીને ઝડપી પાડ્યો હતો. આરોપીએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ મોટર સાયકલ સુરતના ખટોદરા વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. એટલું જ નહીં, પોતે કડિયા કામ કરી તેની આડમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં રેકી કરી વાહન ચોરી કરતો હોવાની હકીકત જણાવી હતી.

આ પણ વાંચોઃ મતદાન કરનારા લોકોને શિવરાજ પુર બીચની હોટેલ-રેસ્ટોરાંમાં 7 ટકાનું ડિસ્કાઉન્ટ

પોલીસની પૂછપરછ દરમિયાન ખટોદરા પોલીસ ચોપડે નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પોતે મોજશોખ કરવાની ટેવ ધરાવે છે. જ્યાં મોજ-શોખ પૂરા કરવા અને હરવા -ફરવા માટે વાહનોની ચોરી કરે છે. અગાઉ પણ આરોપીએ શહેરના ઉમરા, પાંડેસરા, ખટોદરા પોલીસ મથક હદ વિસ્તારમાંથી કુલ નવ જેટલા વાહનોની ચોરી કરી છે. જે વાહન ચોરીના ગુનામાં પણ તેની ધરપકડ અગાઉ થઈ ચૂકી છે.