April 27, 2024

રાજ્યમાં ગરમીનો પ્રકોપ, ગરમીને લઈ સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી દેશના વિવિધ ભાગોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. કેટલીક જગ્યાએ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે તો કેટલીક જગ્યાએ વરસાદથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે. પરંતુ મોટાભાગના વિસ્તારોમાં ગરમીના કારણે લોકોની હાલત દયનીય બની ગઇ છે. હવામાન વિભાગે કર્ણાટક, ગુજરાત અને રાજસ્થાનના ઘણા ભાગોમાં 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધ્યું છે. જે બાદ હવામાન વિભાગે આગામી બે દિવસમાં આ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિની ચેતવણી આપી છે.

ગુજરાત હવામાન
રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગુજરાતના ભુજમાં તાપમાનનો પારો 39.9 ડિગ્રી, રાજકોટમાં 41.1 ડિગ્રી, અકોલામાં 41.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ કેન્દ્રનું મહત્તમ તાપમાન મેદાનોમાં ઓછામાં ઓછું 40 ડિગ્રી સેલ્સિયસ, દરિયાકાંઠાના વિસ્તારોમાં 37 ડિગ્રી સેલ્સિયસ અને પર્વતીય વિસ્તારોમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે ત્યારે હીટ વેવ થાય છે.

ગરમીને લઈ સૌરાષ્ટ અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આગામી 4 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટ વેવની સંભાવના છે. આ સિવાય અમદાવાદ તેમજ બનાસકાંઠામાં હિટ વેવની આગાહી કરી છે. પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ ગરમ પવનો સાથે હીટવેવથી પ્રભાવિત છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને દીવમાં હીટ વેવની સંભાવના છે. અમદાવાદમાં 41.1, ડિસા – 40.3 , ગાંધીનગર – 41, વિ.વિ. નગર – 40.1, વડોદરા – 40.4, સુરત – 36.6, વલસાડ – 34.4, ભૂજ – 39.9, નલીયા – 33, કંડલા – 39.2, અમરેલી – 41.6, ભાવનગર – 38.6, દ્વારકા – 29.1, પોરબંદર – 33.3, રાજકોટ – 41.1, સુરેન્દ્રનગર – 40.1, મહુવા – 37.2, કેશોદ – 38.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો: એક ‘ખાસ સમૂહ’ ન્યાયપાલિકાને કરી રહ્યો છે નબળી! 500 દિગ્ગજ વકીલોનો ચંદ્રચૂડને પત્ર

મહારાષ્ટ્ર હવામાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 28-29 માર્ચે મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં રાત્રે હવામાન ગરમ રહેવાની શક્યતા છે. અહીં ગરમી પડવા લાગી છે.

ઉત્તર પૂર્વ ભારતનું હવામાન
છેલ્લા 24 કલાકમાં, ઉત્તરપૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. સિક્કિમ અને પેટા હિમાલયન પશ્ચિમ બંગાળમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થયો હતો. જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. આજે પણ ઉત્તર-પૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

પંજાબ-હરિયાણા હવામાન
ઉત્તર રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને કર્ણાટકના ઉત્તરીય દરિયાકાંઠે છૂટાછવાયા હળવા વરસાદ થયો હતો અને આજે પશ્ચિમ હિમાલયના ઉપરના વિસ્તારોમાં હળવા હિમવર્ષાની સંભાવના છે. આ સિવાય પંજાબ અને હરિયાણા-દિલ્હીના કેટલાક ભાગોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

દિલ્હીનું હવામાન
દિલ્હીમાં હાલમાં લઘુત્તમ તાપમાન 19-20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે. જે સામાન્ય કરતા 1 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. આ ઉપરાંત દિવસ દરમિયાન હળવા વરસાદની પણ શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહી શકે છે.

હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત, બિહાર, તેલંગાણા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના નોંધપાત્ર રીતે વધી છે.