May 19, 2024

ગોધરાથી કતલખાને લઈ જવાતા 17 પશુને બચાવ્યાં, ટેમ્પો ડ્રાઇવર-ક્લિનરની ધરપકડ

ગોધરાઃ શહેરથી 17 પશુઓ ભરી વલણ કતલના ઈરાદે લઈ જતા ટેમ્પાને વડોદરાની કપુરાઈ ચોકડી બ્રિજ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ડ્રાઈવર અને ક્લિનરની ધરપકડ કરી પશુઓને સહીસલામત રીતે દરજીપુરા પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે.

વડોદરાના નેશનલ હાઈવે 48 પરથી અવારનવાર ટેમ્પામાં પશુઓની હેરાફેરી કરવામાં આવતી હોય છે. ત્યારે તાજેતરમાં ગોલ્ડન ચોકડી પાસેથી પશુઓ ભરેલો ટેમ્પો હરણી પોલીસે પકડ્યો હતો. ત્યારે ફરી એક વખત કપુરાઈ ચોકડી પરથી કતલખાને લઈ જવાતા પશુઓ ભેરલો ટેમ્પો ઝડપાયો હતો. વડોદરા શહેરની કપુરાઈ ચોકડી ઓવરબ્રિજ પરથી પ્રાણીક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ પોલીસ સાથે મળીને કપુરાઈ ઓવરબ્રિજ પરથી કતલના ઇરાદે લઈ જવાતા 17 પશુઓ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો.

ટેમ્પામાં તપાસ કરતા ડ્રાઈવર અને ક્લિનર મળી આવ્યા હતા. જેથી પોલીસે ડ્રાઈવર મોહસિન હુસેન બુમરાહ તથા સુફિયાન રમજાન ઘાંચીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછ કરતા ગોધરામાં રહેતા ઈકબાલ મહોમદ ઘાંચીએ પશુઓ ભરેલો ટેમ્પો આપ્યો હતો. આ ટેમ્પામાં ભરેલા પશુઓ ગોધરાથી વલણના કતલખાને લઈ જવાતા હતા તેવું જણાવ્યું હતું. પોલીસે ડ્રાઈવર અને ક્લિનરની ધરપકડ કરી 17 પશુ અને ટેમ્પો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે પશુ મોકલનારા ઈકબાલ મહમદ ઘાંચીએ અને પશુ મંગાવનારાને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ટેમ્પામાં ખીચોખીચ બાંધેલા પશુઓને છોડાવીને દરજીપુરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.