May 6, 2024

PM મોદીએ ઇટાલીના પીએમ મેલોનીથી ફોન પર કરી વાત, જાણો કેમ કહ્યું Thank You

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે વાત કરી હતી. જૂનમાં યોજાનારી G-7 સમિટમાં તેમને આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે, તેમણે વડાપ્રધાન મેલોની અને ઈટાલીના લોકોને ઈટાલીના મુક્તિ દિવસની 79મી વર્ષગાંઠ પર અભિનંદન પાઠવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે જૂનમાં G7 સમિટમાં મને આમંત્રણ આપવા બદલ મેં તેમનો આભાર માન્યો હતો. ભારતમાં યોજાયેલા G20 ના પરિણામોને G-7માં આગળ લઈ જવાની ચર્ચા કરી.

ઈટાલીના પીએમ મેલોની સાથે ફોન પર વાત કરી
વાતચીત દરમિયાન, બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સાથે બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

G7 માટે આમંત્રિત થવા પર કહ્યું- આભાર
પીએમ મોદીએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર વાત કરી હતી. જૂન 2024માં ઇટાલીના પુગ્લિયામાં યોજાનાર G7 સમિટ આઉટરીચ સત્રમાં તેમને આમંત્રણ આપવા બદલ તેમણે PM મેલોનીનો આભાર માન્યો હતો. બંને નેતાઓએ ઇટાલીની અધ્યક્ષતામાં યોજાયેલી G7 સમિટમાં, ખાસ કરીને ગ્લોબલ સાઉથને ટેકો આપતા ભારતના G20 અધ્યક્ષપદના મહત્ત્વના પરિણામોને આગળ વધારવાની ચર્ચા કરી.

ઈટાલીના પીએમ મેલોની માર્ચ 2023માં ભારતની મુલાકાતે આવ્યા હતા
ઈટાલીના પીએમ મેલોની ગયા વર્ષે માર્ચ 2023માં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે પીએમ મોદી દુનિયામાં સૌથી વધુ પસંદ કરવામાં આવતા રાજનેતા છે. તેમણે કહ્યું કે ભારત અને ઈટાલી આતંકવાદ અને અલગતાવાદનો સામનો કરવા માટે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે તેઓ ઈન્ડો-પેસિફિકમાં ઈટાલીની સક્રિય ભૂમિકાને આવકારે છે. તેમની ઈન્ડો-પેસિફિક મહાસાગર પહેલનો એક ભાગ બનવાનો આનંદ છે.