May 6, 2024

વિદ્યાર્થીઓએ આચાર્યનું ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવ્યું, અભદ્ર લખાણ, ફોટા-વીડિયો મૂક્યાં

અમિત રૂપાપરા, સુરતઃ શહેરના ગોડાદરા વિસ્તારમાં એક અજીબ ઘટના સામે આવી હતી. જેમાં ગોડાદરા વિસ્તારની સ્કૂલના નામે instagram પર એક ફેક આઈડી બનાવીને શાળાના ટ્રસ્ટી અને શાળાને બદનામ કરવાનો પ્રયાસ થયો હતો. જ્યારે આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું હતું કે, શાળાના જ 15 વર્ષના બે વિદ્યાર્થી દ્વારા આ કરતૂત કરવામાં આવી છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં પર્વત ગામ ખાતે લાલજી નકુમ તેના પરિવાર સાથે રહે છે. લાલજી નકુમ મહારાણા પ્રતાપ ચોક ઘોડાદરા પાસે આવેલા જ્ઞાન જ્યોત વિદ્યાલયમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે. આ જ્ઞાનજોત શાળાના કોઈ અજાણ્યા ઇસમે instagram ઉપર ફેક આઈડી બનાવ્યું હતું. જેમાં ટ્રસ્ટીના ફોટો શિક્ષકોના ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા અને આ સાથે જ અશ્લીલ મેસેજ ઓપન કરવામાં આવ્યા હતા અને શિક્ષકોના ફોટા સાથે કેટલીક રીલ્સ બનાવી તેમાં અભદ્ર લખાણ કરવામાં આવ્યું હતું. આ વાત શાળાના પ્રિન્સિપાલ જયંતિ શિયાળના ધ્યાને આવી હતી.

આ પણ વાંચોઃ સુરતની દિવ્યાંગ યુવતી પર પાડોશીએ બળાત્કાર ગુજાર્યો, 3 મહિનાનો ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો

તેથી આ સમગ્ર મામલે પ્રિન્સિપાલ જયંતિ શિયાળ દ્વારા શાળાના ટ્રસ્ટીને આ બાબતે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલે શાળાના ટ્રસ્ટી લાલજી નકુમ દ્વારા સાઇબર સેલમાં ફરિયાદ આપવામાં આવી હતી. ત્યારે સાયબર સેલ દ્વારા આ બાબતે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરવામાં આવી હતી અને તપાસ કરતાં સામે આવ્યું હતું કે, શાળામાં જ અભ્યાસ કરતા 15 વર્ષના બે વિદ્યાર્થી દ્વારા શાળાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેમને જ ફેક આઈડી બનાવીને અભદ્ર લખાણ અને શિક્ષકોના ફોટા નો વિડીયો instagram પર અપલોડ કર્યો હતો.