April 28, 2024

સુરતમાં બ્રેઇનડેડ મહિલાનાં અંગોનું દાન, ગ્રીન કોરિડોરથી લીવર-કિડની અમદાવાદ પહોંચાડ્યાં

surat braindead women organ donation liver kidney to ahmedabad

સુરતમાં મહિલાનાં અંગોનું દાન કરવામાં આવ્યું હતું.

સુરતઃ દેશમાં કોઈપણ જગ્યા પર આફત આવી હોય તો સુરતીઓ ખુલ્લા મનથી દાન કરે છે. ત્યારે સુરતમાં રક્તદાન કેમ્પની સાથે સાથે અંગદાનની પ્રવૃત્તિ ખૂબ જ ગતિથી આગળ વધી રહી છે. અલગ અલગ સંસ્થાઓ દ્વારા અંગદાન પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં વધુ એક મહિલાના અંગોનું દાન કરવામાં આવ્યું છે.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં શ્રી રેસિડેન્સીમાં રહેતા 28 વર્ષીય પિનલબેન કિકાણી 24 માર્ચના રોજ સવારે બાળકોને ટ્યુશનમાંથી મૂકીને 10 વાગ્યે ઘરે પરત આવ્યા હતા. પિનલબેને સાસુને જણાવ્યું હતું કે, તેમની તબિયત ઠીક નથી. ત્યારબાદ તેઓ બેડરૂમમાં જતા રહ્યા હતા. જો કે, બાળકોને ટ્યુશનમાંથી લેવા જવાનો સમય થયો, પરંતુ પીનલબેન બેડરૂમમાંથી બહાર ન આવતા સાસુએ તેમને જગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ બેડરૂમનો દરવાજો ખૂલ્યો ન હતો.

આ પણ વાંચોઃ પૂર્વ IPS સંજીવ ભટ્ટને પાલનપુર એડિશનલ એન્ડ સેશન કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

તેથી તાત્કાલિક જ પીનલબેનના સાસુએ પાડોશમાં રહેતા સંજયભાઈ પદમાણીને બોલાવી બેડરૂમનો દરવાજો તોડ્યો હતો. ત્યારબાદ જાણવા મળ્યું કે, પિનલબેનની તબિયત ખૂબ જ ગંભીર અવસ્થામાં દેખાઈ રહી છે. તેથી તાત્કાલિક પીનલબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પિનલબેનની તબિયત વધુ ખરાબ હોવાના કારણે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, ચાર દિવસની સારવાર બાદ ડોક્ટરોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા.

આ પણ વાંચોઃ જામનગરમાં મહિલા કોર્પોરેટરના પતિએ સીટી એન્જિનિયર પાસે ખંડણી માંગી

ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશનના સભ્યો દ્વારા પિનલબેનના પરિવારના સભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. પિનલબેનના પરિવારના સભ્યોએ અંગદાન માટે સંમતિ આપી હતી. તેથી પિનલબેનના લીવર અને બંને કિડનીનું દાન અમદાવાદની હોસ્પિટલે સ્વીકાર્યું હતું અને બંને ચક્ષુનું દાન સુરતની લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. મહત્વની વાત છે કે, લીવર અને બંને કિડની અમદાવાદની હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે 269 kmનો ગ્રીન કોરિડોર પોલીસની મદદથી તૈયાર કરવામાં આવ્યો હતો.