May 4, 2024

ભાજપ આવતીકાલે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે, CECની બેઠકમાં નામોને મંજૂરી આપશે

BJP Second Candidate List Lok sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ની તમામ પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સાથે જ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની બીજી યાદીને આખરી ઓપ આપી રહી છે. માહિતી અનુસાર સોમવારે સાંજે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજવા જઈ રહી છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા સહિત અનેક રાજ્યોની બાકી રહેલી બેઠકો અંગે ચર્ચા કરીને ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે.

ફાઇલ ફોટો

હકિકતે ભાજપ છેલ્લા ત્રણ દિવસથી બાકીની લોકસભા બેઠકો પર મંથન કરી રહ્યું છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહે શનિવારે મોડી રાત્રે બીજેપી હેડક્વાર્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સાથે તેલંગાણાના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

દક્ષિણમાં મજબૂત કરવા માટે ભાજપે ગઠબંધન કર્યું
નોંધનીય છે કે દક્ષિણના રાજ્યોમાં પોતાને મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી અને જનસેના સાથે ગઠબંધન કરીને આંધ્રપ્રદેશમાં સીટ વહેંચણીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. માહિતી અનુસાર ભાજપ આંધ્ર પ્રદેશની 8 લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે અને બાકીની સીટો પર ટીડીપી પોતાના ઉમેદવારો ઉભા રાખશે.

ભાજપની પ્રથમ યાદીમાં 195 નામ જાહેર થયા છે
નોંધનીય છે કે ભાજપે 2 માર્ચે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સહિત ઘણા વરિષ્ઠ નેતાઓના નામ સામેલ છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ, ત્રિપુરાના પૂર્વ સીએમ વિપ્લવ કુમાર દેવ અને 28 મહિલાઓ સહિત 34 મંત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે SC 27, ST 18 અને OBC સમુદાયના 57 ઉમેદવારોને ટિકિટ મળી છે.