January 22, 2025

અયોધ્યામાં શ્રી રામનું સૂર્ય તિલક, પ્રભૂની મૂર્તિ ઝળહળી ઉઠી

અમદાવાદ: આજે રામ નવમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ શ્રી રામની આ પહેલી રામનવમી છે. આ દરમિયાન રામલલાની વિશેષ પૂજા કરવામાં આવશે. ભગવાન શ્રી રામને આજે સૂર્યકિરણોથી તિલક કરવામાં આવ્યો છે. બપોરના 12.16 મિનિટે સૂર્યના કિરણો ભગવાનના લલાટ પર પડ્યા હતા અને એક તેજસ્વી તિલક સાથે પ્રભૂ શ્રી રામની મૂર્તિ જળહળ ઊઠી છે.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ પ્રથમ વખત મંદિરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે શ્રી રામ પર સૂર્યકિરણથી તિલક બપોરે 12.16 કલાકે થયું છે. આ શુભ મુહૂર્ત બપોરે 1.35 વાગ્યા સુધી રહેશે. મહત્વનું છે કે, આ અવસર પર રામ મંદિરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. રામનવમી નિમિત્તે સવારે 3.30 કલાકે રામ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે અને 11 વાગ્યા સુધી ભક્તો રામલલાના દર્શન કરી શકશે. આવી સ્થિતિમાં મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. સૂર્ય તિલક માટે મંદિર ટ્રસ્ટે લગભગ 100 LED અને સરકારે 50 LEDની વ્યવસ્થા કરી છે.

કેવું રીતે થયું સૂર્યતિલક?
રામ મંદિરના નિર્માણ પછી શ્રી રામની આ પ્રથમ રામનવમી છે. આ દરમિયાન ભગવાન રામની મૂર્તિ પર સૂર્યના કિરણોથી તિલક થયું છે. જેમાં બરાબર બપોરે 12.16 કલાકે સૂર્યના કિરણો પાંચ મિનિટ માટે રામલલાની મૂર્તિના કપાળ પર પડ્યા છે. કિરણો લેન્સ અને અરીસા સાથે અથડાઈને રામલલાના માથા સુધી પહોંચ્યા છે. વૈજ્ઞાનિકોની ટીમે પહેલાથી જ આ અંગે સંપૂર્ણ વ્યવસ્થા કરી નાખી છે. ભગવાન શ્રીરામની મૂર્તિ પર સૂર્ય કિરણથી બનતા તિલકના દર્શન ખૂબ જ અદ્ભુત રહ્યા. નોંધની છે કે ભગવાન શ્રી રામના સૂર્ય તિલક દરમિયાન ભક્તોને રામ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો