સુરતમાં સાયબર ફ્રોડ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગના વધુ એક આરોપીની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાંથી 112 કરોડથી વધુનું આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગ મામલામાં સુરત સાયબર પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. આ ગેંગને સુરતમાંથી બેંકના એકાઉન્ટ પૂરા પાડનારા અને ફ્રોડના રૂપિયા સુરતના આંગડિયામાંથી વિડ્રોઅલ કરનાર ચંદ્રેશ કાકડીયાની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ કેસમાં સુરત સાયબર પોલીસે બે આરોપીની ભાવનગર ખાતેથી ધરપકડ કરી હતી. જે દુબઈ ખાતે બેસી સાયબર ક્રાઈમના ગુનાને અંજામ આપતા આરોપીઓને બેંકની કીટો પૂરી પાડતા હતા.
સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા થોડા દિવસ પહેલાં આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમનું મોટું નેટવર્ક સુરતથી ઝડપી પાડ્યું હતું. પોલીસ દ્વારા તપાસ કરતા આ આખું નેટવર્ક વાયા ચાઈનીઝ ગેંગ દ્વારા દુબઈમાં બેસીને ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જેને લઇ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરી છે. પોલીસે આ ગુનામાં અગાઉ પાંચ આરોપીઓ અજય ઇટાલીયા, જલ્પેશ નડીયાદરા, વિશાલ ઠુમ્મર, હિરેન બરવાળીયા, કેતન વેકરિયા, નાગજી બારૈયા અને બ્રિજેશ ઇટાલિયાની ધરપકડ કરી હતી. જેની તપાસ અને પૂછપરછમાં એકપછી એક ચોંકાવનારા ખુલાસા અને આખી ચેન પકડાઈ રહી છે. પકડાયેલા આરોપીઓ ગુજરાત અને સુરતથી જુદા જુદા નામોના બેન્ક એકાઉન્ટ ખરીદી અથવા ભાડે મેળવી દુબઈ પહોંચાડવાનું મોટું રેકેટ ચાલતું હોવાનું પર્દાફાશ કર્યો હતો.
સુરત સાઇબર પોલીસની ટીમ આ ગુનામાં જેમ જેમ ઊંડે ઉતરી રહી છે, તેમ તેમ એક પછી એક કડીઓ તેમને મળી રહી છે. ત્યારે દુબઈથી સાયબર ક્રાઈમ આચરથી આંતરરાષ્ટ્રીય ગેંગના આરોપીને પકડવામાં સુરત સાયબર ક્રાઇમ પોલીસને સફળતા મળી છે. આરોપી ચંદ્રેશ કાકડીયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ચંદ્રેશ સાડીના જોબ વર્કના વેપાર સાથે જોડાયેલો છે અને પુણાગામ વિસ્તારની સીતાનગર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે.
ચંદ્રેશની ભૂમિકાની વાત કરવામાં આવે તો આરોપી અલગ અલગ બેન્ક એકાઉન્ટ લોકોને લોભલાલચ આપીને ઓપન કરાવતો હતો અને ત્યારબાદ એકાઉન્ટોની તમામ વિગતો દુબઈમાં રહેતા મિલન દરજીને આપતો હતો. મિલન દરજી સાઈબર ફ્રોડના રૂપિયા હોય તે આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો અને ત્યારબાદ આરોપી ચંદ્રેશ દુબઈથી સાયબર ફ્રોડની રકમ ભેગી કર્યા બાદ તેને આંગડિયા મારફતે સુરત મોકલતો હતો. ચંદ્રેશ સુરતમાં આંગડિયામાં આવેલી રકમ લેવા માટે જતો હતો. ચંદ્રેશ સામે અગાઉ સુરતના સરથાણા વરાછા, કાપોદ્રા, પુણા, હજીરા અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સાત ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.