May 7, 2024

નિલેશ કુંભાણી કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ, ફોર્મ અમાન્ય થતા નિષ્કાળજી રાખવાનો આરોપ

Surat lok sabha congress candidate nilesh kumbhani suspended for 6 years

અમિત રુપાપરા, સુરતઃ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને કોંગ્રેસે 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. ફોર્મ અમાન્ય છરવા બદલ નિલેશ કુંભાણીની નિષ્કાળજી રાખવાનું કારણ આગળ ધરીને તેમને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. કોંગ્રેસની શિસ્ત સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

સસ્પેન્ડ લેટરમાં લખ્યું છે કે, ‘તમોને કોંગ્રેસ પક્ષે સંસદની ટિકિટ આપી હતી. સૌરાષ્ટ્રના અનેક પાટીદારો તથા અન્ય સૌરાષ્ટ્રના લોકો કે જેઓ સુરત સ્થિત થયા છે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો તેવી ગણતરી પક્ષની હતી. તમારા ફોર્મને રદ્દ થવાની બાબતમાં તમારી સંપૂર્ણપણે નિષ્કાળજી અથવા ભારતીય જનતા પાર્ટી સાથે તમારું મેળાપીપણું હોવાની પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ આવી હતી. આમ છતાં, કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તમે આવીને પૂરી સ્પષ્ટતા કરી શકો અને તમારો પક્ષ રજૂ કરી શકો તે માટે શિસ્ત સમિતિએ તમને સમય આપ્યો હતો. તમો નાટ્યાત્મક રીતે ગાયબ છો અને તમે કોઈપણ જાતનો તમારા પક્ષે ખુલાસો કરેલ નથી, જેથી પક્ષે છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.’

તેમાં આગળ લખ્યું છે કે, ‘તમારું ફોર્મ રદ્દ થવું એ અત્યંત કમનસીબ ઘટના છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ તમામ તંત્રનો દુરુપયોગ કરીને અન્ય પક્ષના ઉમેદવારને લોભ, લાલચ, ભય અને ત્રાસ આપીને બધા જ ફોર્મ પરત ખેંચાવી લઈને લોકશાહીની હત્યા કરી છે. મતદાતાને ચૂંટણી સમયે મત આપવાનો એક પવિત્ર અધિકાર છે. સુરતમાં બનેલ ઘટનાથી લોકોના મત આપવાના અધિકાર ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા તરાપ મારવામાં આવી છે અને લોકશાહીના ઈતિહાસમાં આ ઘટના કલંકિત રીતે કાળા અક્ષરમાં લખાશે.’

તેમાં વધુમાં લખ્યું છે કે, ‘18 વર્ષની ઉંમરનો થયેલો યુવા મતદાર પ્રથમ વખત લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં મતદાન કરવા થનગની રહ્યો હતો તેને પણ હતાશા પ્રાપ્ત થઈ છે. આ પ્રકારની પરિસ્થિતિ એ અત્યંત શરમજનક ઘટના છે. આપ જાણતા હશો કે આપશ્રી સામે પણ સુરતના લોકો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને સોશિયલ મીડિયાથી લઈને તમામ સ્થળોએ તમારી સામે ભયંકર રોષ લોકો ઠાલવી રહ્યા છે. આથી, આપને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો શિસ્ત સમિતિએ નિર્ણય લીધેલો છે.’