May 7, 2024

VVPATનાં દરેક મતની ચકાસણીની માગ કરતી તમામ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) વોટની 100 ટકા ચકાસણી વોટર વેરિફાઈએબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપ દ્વારા કરવાની માગ કરતી તમામ અરજીઓને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ, તેણે બે નિર્દેશ આપ્યાં છે – પ્રથમ નિર્દેશ એ છે કે, સિમ્બોલ લોડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા પછી સિમ્બોલ લોડિંગ યુનિટ્સ (એસએલયુ) સીલ કરવામાં આવે અને તેને ઓછામાં ઓછા 45 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવે.

અગાઉ બે દિવસની સતત સુનાવણી પછી બેન્ચે 18 એપ્રિલે અરજીઓ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જો કે, બુધવારે સુપ્રીમ કોર્ટે આ મામલાને ફરીથી લિસ્ટ કર્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે કેટલીક બાબતો અંગે સ્પષ્ટતા માગી હતી. ત્યારબાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ચુકાદો અનામત રાખતી વખતે સર્વોચ્ચ અદાલતે ટિપ્પણી કરી હતી કે, તે ચૂંટણીને નિયંત્રિત કરી શકતી નથી, ન તો બંધારણીય સંસ્થા માટે નિયંત્રણ સત્તા તરીકે કામ કરી શકે છે. ખોટું કરનારને પરિણામ ભોગવવા માટે કાયદા હેઠળ જોગવાઈઓ છે. અદાલત માત્ર શંકાના આધારે આદેશ આપી શકે નહીં.

આ પણ વાંચોઃ લોકસભાની 88 સીટ પર બીજા તબક્કાનું મતદાન

કોર્ટે કહ્યું કે, તે એવા લોકોની વિચાર પ્રક્રિયાને બદલી શકશે નહીં, જેઓ વોટિંગ મશીનના ફાયદા પર શંકા કરે છે અને બેલેટ પેપર પાછા લાવવાની વાત કરે છે. આ સિવાય બુધવારે નિર્ણય અનામત રાખતી વખતે બેન્ચે નાયબ ચૂંટણી કમિશનર નીતિશ વ્યાસને કોર્ટમાં બોલાવ્યા હતા અને પાંચ મુદ્દાઓ અંગે સ્પષ્ટતા માગી હતી. કોર્ટે કહ્યું કે, અમે EVM વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) જોયા છે. અમે ત્રણ-ચાર બાબતો પર સ્પષ્ટતા ઈચ્છીએ છીએ. અમે હકીકતમાં ખોટા બનવા માંગતા નથી, પરંતુ અમારા નિર્ણયની બમણી ખાતરી કરવા માંગીએ છીએ અને તેથી આ સ્પષ્ટતા માંગીએ છીએ. ખંડપીઠે જે પાંચ પ્રશ્નોના જવાબો માંગ્યા હતા તેમાં EVMમાં સ્થાપિત માઇક્રોકન્ટ્રોલર રિપ્રોગ્રામેબલ છે કે કેમ તે સામેલ છે.

આ પણ વાંચોઃ ગુજરાતની લોકસભા બેઠકના ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ

તેના પર વ્યાસે કોર્ટને કહ્યું હતું કે EVM, વોટિંગ, કંટ્રોલ અને VVPATના ત્રણેય યુનિટમાં માઇક્રોકન્ટ્રોલર લગાવવામાં આવ્યાં છે. ફિઝિકલી ત્યાં સુધી પહોંચી શકાય તેમ નથી. તેને માત્ર એક જ વાર પ્રોગ્રામ કરી શકાય છે. સામાન્ય રીતે EVM મશીનને 45 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવે છે. ચૂંટણી અરજી દાખલ કરવાના કેસમાં સમયમર્યાદા લંબાવવામાં આવે છે. વ્યાસે અગાઉ પણ ઈવીએમની કામગીરી અંગે કોર્ટને માહિતી આપી હતી.