May 7, 2024

145 સીમકાર્ડ દુબઇ પહોંચે તે પહેલા SOGના દરોડા, ત્રણ આરોપીને દબોચ્યા

યોગીન દરજી, આણંદ: કરમસદમાંથી એક્ટીવ કરેલા 145 સીમકાર્ડ દુબઈ પહોંચે તે પહેલા આણંદ SOG પોલીસે 3 ઈસમને ઝડપી પાડ્યા છે. એક્ટીવ કરેલા સીમકાર્ડ દુબઈ લઈ જઈને ઓનલાઈન ગેમીંગ ઝોન તેમજ સટ્ટા બેટીંગમાં ઉપયોગમાં લેવામાં આવનાર હોવાનો ખુલાસો થયો છે.

મળતી માહિતી અનુસાર આણંદ એસઓજી પોલીસે કરમસદ ખાતે આવેલા રામદેવપીર મંદિર પાછળ આવેલી સોમાભાઈ રેસીડેન્સીમાં રહેતા એક શખ્સને ત્યાં દરોડા પાડી એક્ટીવ કરેલા એરટેલ કંપનીના 145 સીમકાર્ડ તેમજ 14 જેટલા ડેબીટ અને ક્રેડિટ કાર્ડ સાથે શખ્સને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમાં તે આ સીમકાર્ડ નાપાડ ખાતેથી લાવ્યો હોવાનું જણાવતા પોલીસે સીમકાર્ડ આપનાર બે શખ્સોને દબોચી લીધા હતા.

કરમસદ ખાતે રહેતો ચિરાગ રેસભાઈ સોલંકી એક્ટીવ સીમકાર્ડ લાઈન દુબઈ ઓનલાઈન ગેમીંગ ઝોન તેમજ સટ્ટામાં ઉપયોગ કરાવીને મોટાપાયે આર્થિક ફાયદો મેળવતો હતો. આજે સવારે તે દુબઈ માટે રવાના થવાનો હતો. પરંતુ SOG પીઆઈ જે. આર. પટેલ અને તેમની ટીમે દરોડા પાડીને તેને ઝડપી પાડયો હતો અને તપાસ હાથ ધરી હતી. એક્ટીવ કરેલા એરટેલ કંપનીના કુલ 145 સીમકાર્ડ 14 જેટલા અલગ- અલગ બેન્કોના ડેબિટ અને ક્રેડિટ કાર્ડો મળી આવ્યા હતા. જે બાબતે તેની પુછપરછ કરતા એક્ટીવ કરેલા સીમકાર્ડ તેણે નાપાડ વાટા ગામે રહેતા સમર શહીદખાન રાઠોડ અને જેનુલ આબેદ્દીન રણજીતભાઈ રાઠોડ પાસેથી એક એક્ટીવ 1250 રૂપિયામાં ખરીધું હતુ અને તે દુબઈ લઈ જઈને જૈમીન ચીમનભાઈ ઠાકોરને 1500 રૂપિયામાં વેચવાનો હતો.

આ કબુલાતના આધારે પોલીસે ફોન સાથે કુલ 42250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને નાપાડવાંટા ખાતે દરોડા પાડીને સમર રાઠોડ અને જૈનુલઆબેદીન રાઠોડને પણ ઝડપી પાડયાં હતા. આ બન્ને શખ્સો અલગ- અલગ વ્યક્તિઓના નામ- સરનામાવાળા એક્ટીવ કરેલા સીમકાર્ડો ચીરાગને વેચતા હતા. પોલીસે આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ઘરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ચિરાગ સોલંકી દ્વારા અગાઉ પણ આવા એક્ટીવ કરેલા સીમકાર્ડો ખરીદીને દુબઈ ખાતે મોકલ્યા હતા. જેની તપાસ ચાલી રહી છે. દુબઈ આ સીમકાર્ડો લઈ જઈને ત્યાં ઓનલાઈન ગેમીંગ ઝોન તેમજ સટ્ટા બેટીંગમાં ઉપયોગમાં લેવામાં આવતા હોવાનો ખુલાસો થતા પોલીસ પણ ચોંકી ગઇ હતી.