May 7, 2024

દેવામાં ડૂબેલા અનિલ અંબાણી માટે ‘અલાદિનનું જાદુઈ ચિરાગ’ બન્યો આ શેર

નવી દિલ્હી: શેરબજારમાં તેજી વચ્ચે અનિલ અંબાણીની એક કંપનીનો શેર રોકેટ બની ગયો છે. આ શેરમાં બમ્પર તેજી જોવા મળી રહી છે. શેર માર્કેટમાં તેજી વચ્ચે દેવામાં ડૂબેલા અનિલ અંબાણી (Anil Ambani)નું નસીબ પણ ચમકી ઉઠ્યું છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાંસ્ટ્રક્ચરના શેરમાં દરરોજ ઉછાળો જોવા મળી રહ્યો છે. ગત બુધવારે રિલાયન્સ ઈન્ફ્રાંસ્ટ્રક્ચર (Reliance Infrastructure)ના શેર મોટા ઉછાળા સાથે લીલા નિશાન પર બંધ થયા હતા. તેમાં 13 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ શેર ઉછાળા સાથે 239 રૂપિયા પર પહોંચી ગયો હતો.

52 અઠવાડિયાના હાઈ નજીક
કંપનીના શેર પોતાના 52 અઠવાડિયાના હાઈની નજીક પહોંચી ગયા છે. ગત 5 દિવસોમાં આ શેરમાં 7 ટકાથી વધુનો ઉછાળો આવી ચુક્યો છે. આ શેરમાં રોકાણ કરનારા લોકોને હવે સારો એવો ફાયદો થઇ રહ્યો છે. હાલમાં આ શેરને ખરીદવા માટે રોકાણકારો તુટી પડ્યા છે. રોકાણકારો આ શેરમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યા છે. રિલાયન્સ ઈન્ફ્રાંસ્ટ્રક્ચરના શેર વર્ષ 2008માં 4 જાન્યુઆરીના રોજ 2510 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. જેના પછી આ શેરમાં મોટા પાયે ધોવાણ જોવા મળ્યું હતું. 27 માર્ચ 2020 નારોજ રિલાયન્સ ઈન્ફ્રાંસ્ટ્રક્ચરના શેર તૂટીને 9 રૂપિયાના લેવલ પર આવી ગયા હતા.

છેલ્લા 4 વર્ષમાં સ્પીડ પકડી
છેલ્લા 4 વર્ષોમાં આ શેરમાં તેજી જોવા મળી રહી છે. આ દરમિયાન આ શેરમાં 2400 ટકાથી વધુ ઉછાળો આવી ચુક્યો છે. ગત 3 વર્ષોમાં આ શેરમાં 650 ટકાથી વધુનો ઉછાળો નોંધાઇ ચુક્યો છે. ત્યાં જ વિતેલા એક વર્ષની વાત કરીએ તો આ શેરમાં 95 ટકાનો ઉછાળો નોંધાયો છે. રિલાયન્સ ઈન્ફ્રાંસ્ટ્રક્ચરનો શેર આ પહેલા રિલાયન્સ એનર્જી લિમિટેડ એન્ડ બોમ્બે સબઅર્બન ઇલેક્ટ્રીક સપ્લાઇના નામથી ઓળખાતો હતો.જે પાવર જનરેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન અને ડિફેન્સ સાથે જોડાયેલ છે. જે રિલાયન્સ અનિલ ધીરૂભાઇ અંબાણીના ગ્રુપનો ભાગ છે.