May 19, 2024

ગુજરાતના એકમાત્ર બાણેજ બુથ પર 100 ટકા મતદાન

રાજેશ ભજગોતર, ગીર સોમનાથઃ જિલ્લાના ઉના વિધાનસભા મત વિસ્તારમાં આવતા અનોખા મતદાન મથકમાં થયું 100 ટકા મતદાન. મધ્ય ગીર જંગલમાં આવેલા બાણેજ બુથ નં-3માં સો ટકા મતદાન થયું છે.બાણેજ બુથમાં માત્ર એક મતદાતા છે. બાણેજ મંદિરના મહંત હરીદાસબાપુએ મત આપતાં જ થયું સો ટકા મતદાન. ભારતનું ચૂંટણી પંચ એક મતનું મહત્વ સમજાવવા માટે માત્ર એક મત માટે અહીં આખું મતદાન મથક ઉભું કરે છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠકમાં આવેલું અનોખું મતદાન મથક બાણેજમાં સો ટકા મતદાન થયું છે. અહીંના એકમાત્ર મતદાર હરીદાસબાપુએ મતદાન કરતાં જ આ બુથ પર સો ટકા મતદાન થયું છે. દર ચૂંટણીમાં અહીં સો ટકા મતદાન થાય છે. ગીર જંગલ મધ્યે ચૂંટણી પંચ દ્વારા આ બુથ તૈયાર કરવામાં આવે છે. માત્ર એક મત માટે બાણેજમાં ઉભા કરવામાં આવેલા પોલિંગ બુથમાં 15 કર્મચારીનો સ્ટાફ સાંજે 6 વાગ્યા સુધી ફરજ નિભાવે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવતી વખતે ચૂંટણી પંચ દરેક મતદાર માટે એક ખાસ મતદાન મથક પણ બનાવે છે અને સવારથી સાંજ સુધી આ બૂથ પર ફરજ બજાવતા 15 કર્મચારીઓ હાજર રહે છે.

ગીર સોમનાથના જિલ્લા કલેકટર તંત્ર દ્વારા બાણેજ મંદિર નજીક ફોરેસ્ટ કવાર્ટરમાં આ પોલિંગ બુથ તૈયાર કરવામાં આવે છે. જામવાળા ગીરથી 25 કિલોમીટર દૂર એક પૌરાણિક મંદિર છે. જેને બાણગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરના મહંત હરિદાસબાપુ બાણેજ રહે છે. જે મતદાન મથકમાં એકમાત્ર મતદાર છે. ચૂંટણીપંચ 2002થી અહીં ખાસ બૂથની વ્યવસ્થા કરે છે. આ વખતે પણ આ બૂથ બનાવવામાં આવ્યું છે. જે મતદાનની પૂર્વ સંધ્યાએ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં 15 જેટલો પોલિંગ સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે.

ગીર જંગલ મધ્યે આવેલા બાણેજ બુથમાં મહંત હરીદાસજીએ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરતાં જ અહીં સો ટકા મતદાન થયું છે. અહીં બનાવેલા આ સ્પેશિયલ બૂથ વિશે હરિદાસબાપુ કહે છે કે, ‘લોકશાહીને જીવંત રાખીને મારા માટે ખાસ વ્યવસ્થા કરવા બદલ હું ચૂંટણી પંચનો આભારી છું. હું દરેકને અચૂક મતદાન કરવા અપીલ કરું છું. મતદાન કરવું એ આપણી ફરજ છે, આપણે મતદાન કરવું જ જોઈએ, ચૂંટણીએ લોકશાહીની ધરોહર છે.’