January 22, 2025

જયશંકર આકરાપાણીએ… 100ની નોટ પર ભારતીય વિસ્તાર બતાવવા નેપાળને આડેહાથ લીધું

India Nepal Relation: નેપાળ દ્વારા તેના નવા નકશામાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારોને સામેલ કરવા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે નેપાળના આ પગલાથી વાસ્તવિક પરિસ્થિતિ કે જમીની વાસ્તવિકતા બદલાશે નહીં.

ભુવનેશ્વરમાં મીડિયા સાથે વાત કરતા જયશંકરે કહ્યું, “અમારી સ્થિતિ એકદમ સ્પષ્ટ છે. નેપાળ સાથે અમે સ્થાપિત ફોરમ દ્વારા અમારી સરહદી બાબતો પર ચર્ચા કરી રહ્યા છીએ. આ વચ્ચે તેણે એકપક્ષીય રીતે તેની બાજુથી કેટલાક પગલાં લીધાં.” નેપાળના પીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે ભારત સાથેના સંબંધોમાં બગડ્યાના ચાર વર્ષ બાદ કાઠમંડુમાં સરકારે 100 રૂપિયાની નોટ જારી કરવાનો નિર્ણય લીધો છે. જેમાં ભારતના નિયંત્રણ હેઠળના વિસ્તારો સાથે દેશનો નકશો દર્શાવવામાં આવ્યો છે. નેપાળ સરકારના પ્રવક્તા અને સંચાર મંત્રી રેખા શર્માના જણાવ્યા અનુસાર નવી નોટો પર આ વિસ્તારોને દર્શાવવાનો નિર્ણય ગુરુવારે વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ લેવામાં આવ્યો હતો.

બંને દેશો વચ્ચે વિવાદ અહીંથી શરૂ થયો હતો
દિલ્હીથી માનસરોવર યાત્રા રૂટ પર ધારચુલાથી લિપુલેખ સુધીના નવા રસ્તાના ઉદ્ઘાટન બાદ મે 2020માં ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં મંદી જોવા મળી હતી. આનાથી કાઠમંડુમાં તત્કાલીન સરકાર નારાજ થઈ અને વડાપ્રધાન કેપી શર્મા ઓલી નેપાળનો નવો નકશો લઈને આવ્યા. જેમાં નેપાળ, ભારત અને ચીનના ટ્રાઈ-જંક્શન પર 370 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ઉમેરવામાં આવ્યો જે ભારત ધરાવે છે.

કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાના સમાવેશ સાથે દેશના નકશામાં ફેરફારને કાયદેસર બનાવવા માટે નેપાળની સંસદ દ્વારા એક બંધારણ સંશોધન બિલ પસાર કરવામાં આવ્યું હતું. બિલ પાસ થવાને કારણે અને નવા નકશાને કારણે બંને દેશો વચ્ચેનો સંપર્ક અસ્થાયી રૂપે તૂટી ગયો હતો.

હવે આગળ શું થશે?
નેપાળ કેબિનેટના નિર્ણયને નેપાળની સેન્ટ્રલ બેંક, રાષ્ટ્ર બેંકને મોકલવામાં આવશે, જે નવી નોટો છાપવામાં એક વર્ષ જેટલો સમય લાગી શકે છે. ગુણવત્તાયુક્ત નોટો છાપવા માટે મધ્યસ્થ બેંકે ટેન્ડર બહાર પાડવું પડશે.