May 2, 2024

રાજકોટ લોકસભા બેઠકનું A to Z, જાણો જ્ઞાતિગત સમીકરણથી માંડીને ઇતિહાસ

ઋષિ દવે, રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરમાં લોકસભા બેઠક પર મૂળ બંને અમરેલીના અને રાજકારણના બાહુબલીઓ વચ્ચે જંગ ખેલાવા જઈ રહ્યો છે. પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ રાજકોટ લોકસભા બેઠક હાઈવોલ્ટેજ બેઠક બની ચૂકી છે.

રાજકોટ રંગીલું અને મોજીલું શહેર કહેવાય છે. રાજકોટની સોની બજારનું સોનુ સમગ્ર વિશ્વમાં એક્સપોર્ટ થાય છે. તો અહીંનો મશીનરી ઉદ્યોગ વિશ્વ ફલક પર ચમક્યો છે. મહાત્મા ગાંધીજીએ જે સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું તે આલ્ફ્રેડ હાઇસ્કુલમાં ગાંધી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. તેમાં ગાંધીજી સાથે જોડાયેલી તમામ યાદોને સ્થાન આપવામાં આવ્યું છે. અહીં જોવાલાયક સ્થળોમાં ડોલ્સ મ્યુઝિયમ, સ્વામિનારાયણ મંદિર, રેસકોર્સ, નવું તૈયાર થયેલું અટલ સરોવર, ન્યારી તેમજ આજી ડેમ, ઈશ્વરીયા પાર્ક સહિતના સ્થળોએ લોકો હરવાફરવા અને મોજ માટે જાય છે. રાજકોટમાં દર 10 દુકાને એક પાનનો ગલ્લો, ચાની હોટેલ તેમજ રેસકોર્સની પાળીએ રાત્રે 1 વાગ્યા સુધી બેસીને મિત્રો સાથેની મોજ કરવાની મજા જ અલગ છે. વિવિધ ગૃહ ઉદ્યોગોથી રાજકોટની નારીઓ પણ આત્મનિર્ભર બની છે અને પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી રહી છે.

લોકસભા ચૂંટણી-2024 માટે તખ્તો તૈયાર છે. 7મી મેના દિવસે ગુજરાતમાં મતદાન યોજાવવાનું છે. આ બધા વચ્ચે ગુજરાતમાં વડાપ્રધાન મોદીથી માંડીને ભાજપના નાનામાં નાના કાર્યકરની મીટ રાજકોટ લોકસભા બેઠક પર છે. એક તરફ અહીંના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે. બીજી બાજુ વર્ષ 2002માં અમરેલીમાં પરશોત્તમ રૂપાલાને વિધાનસભા ચૂંટણીમાં હરાવીને જાયન્ટ કીલરનું બિરુદ પામી ગયેલા પરેશ ધાનાણીને કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક પર ટિકિટ આપી છે.પરેશ ધાનાણીની પહેલા ચૂંટણી લડવાની ના અને બાદમાં ક્ષત્રિય સમાજનો વિરોધ જોઈ તકનો લાભ લેવા બાદ હા કહ્યા બાદ રાજકોટ બેઠક પર તેઓ રૂપાલા વિરુદ્ધ ચૂંટણી જંગમાં મેદાને ઉતર્યા છે.

જ્ઞાતિ-જાતિના આ સમીકરણે જો કોળી, લેઉવા પાટીદાર, દલિત અને ક્ષત્રિય સમુદાય એક જ લાઇનમાં વોટિંગ કરે તો પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનના સમર્થનમાં રહે તો ક્રોસ વોટિંગની ભરપૂર શક્યતા છે. આ લોકસભા બેઠકનું પરિણામ વર્ષ 2009 જેવું આવી શકે. જેમાં ભાજપના ઉમેદવાર કિરણ પટેલ કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળીયા સામે હારી ગયા હતા. રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે, હાલમાં ક્ષત્રિય સમાજનું આંદોલન જે દિશા તરફ જઈ રહ્યું છે તે લોકો માટે માત્ર રમૂજ બની રહ્યું છે. વડાપ્રધાન મોદીનો પ્રચાર અને તેમનો ચહેરો મોટી અસર પાડી શકે તેમ છે.

જ્ઞાતિગત વોટબેન્ક

કુલ મતદાર – 21,04,519
પાટીદાર – 25 %
કોળી – 15 %
માલધારી – 10%
મુસ્લિમ – 10 %
ક્ષત્રિય – 8%
દલિત – 8%
બ્રાહ્મણ – 7%
લોહાણા – 6%
અન્ય 11 – %

કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલા કડવા પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. કડવા પાટીદારની વસતિ 3 લાખ આસપાસ હતી. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી લેઉવા પાટીદાર સમાજમાથી આવે છે.અહીં લેઉવા પાટીદારની વસતિ 3.5 લાખ આસપાસ છે. નવા સીમાંકન મુજબ 10-રાજકોટ સંસદીય વિસ્તારમાં કુલ 8 જેટલી વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે.

• 68-રાજકોટ પૂર્વ

• 69-રાજકોટ પશ્ચિમ

• 70-રાજકોટ દક્ષિણ

• 71-રાજકોટ ગ્રામીણ એસસી

• 72-જસદણ (વીંછીયાં સહિતનો વિસ્તાર)

• 73-ગોંડલ (અડધો વિસ્તાર)

• 74-જેતપુર (અડધો વિસ્તાર)

• 75-ધોરાજી (અડધો વિસ્તાર)

ભાજપે 7મી મે મતદાન તારીખ સુધીમાં 7 રાઉન્ડમાં પ્રચાર પૂર્ણ કરવાના ટાર્ગેટ સાથે હાલ બીજા ચરણનો પ્રચાર પૂર્ણ થવા આવ્યો છે. ત્યારે કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કરતા પ્રચારના માંડ શ્રીગણેશ કર્યા છે. કોંગ્રેસે ભાજપ નેતાઓને અહંકારી કહ્યા છે તો બીજી તરફ ભાજપ નેતાઓએ પણ તેનો વળતો જવાબ આપ્યો છે.

રાજકોટ લોકસભા બેઠકનો ઇતિહાસ

  • વર્ષ 2009માં કોંગ્રેસની જીત – કોંગ્રેસ ઉમેદવાર કુંવરજી બાવળિયાને 3,07,434 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર કિરણ પટેલને 02,82,742 મત મળ્યા હતા
  • વર્ષ 2014માં ભાજપની જીત – ભાજપ ઉમેદવાર મોહન કુંડારિયાને 06,21,524 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળિયાને 03,75,096 મત મળ્યા હતા
  • વર્ષ 2019માં ભાજપની જીત – ભાજપ ઉમેદવાર મોહન કુંડારિયાને 07,58,600 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાને 03,90,238 મત મળ્યા હતા

બંને પક્ષના પોતાની જીતના દાવાઓ વચ્ચે રાજકોટ શહેરમાં છેલ્લા 5 વર્ષમાં થયેલા વિકાસની જો વાત કરવામાં આવે તો ગુજરાતની પ્રથમ એઇમ્સ, 900 બેડની જનાના હોસ્પિટલ, નવું રેસકોર્સ (અટલ સરોવર), 8 જેટલા અન્ડર તેમજ ઓવરબ્રિજ, ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિતના અનેક પ્રોજેક્ટની ભેટ રાજકોટને મળી છે.

વિકાસના કામની વાત કરવામાં આવે તો, વિવિધ પ્રોજેકટસની ભેટ સામે અનેક એવા વિસ્તારો પણ છે, જ્યાં હજુ સુધી લોકોને પીવાના પાણી, રોડ રસ્તા સહિતની સમસ્યાઓ છે. સાંસદ તો ઠીક સ્થાનિક કોર્પોરેટરો પણ ત્યાં દેખાતા નથી, તેવો આક્ષેપ મહિલાઓએ કર્યો હતો.

લોકસભાની ચૂંટણી માટે રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં 3602 બેલેટ યુનિટ, 3489 VVPAT અને 2976 સીયુની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં 21 લાખ જેટલા મતદારો સહિત રાજયમાં 4 કરોડથી વધુ મતદારો નોંધાયા છે. ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરાયેલી 12 આવશ્યક સેવાઓના કર્મચારીઓ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે તે માટેની સુવિધા ઉભી કરવામાં આવશે. જેમાં પોલીસ, આરોગ્ય ઉપરાંત મીડિયાકર્મીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરની હાઈ વોલ્ટેજ બેઠક પર પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સભા સંબોધશે. ત્યારે કોંગ્રેસ દ્વારા પર કેન્દ્ર લેવલના સ્ટાર પ્રચારકોની ફોજ મેદાને ઉતારી છે.