May 17, 2024

PM મોદીની કોંગ્રેસને 3 ચેલેન્જ, કહ્યુ – કોંગ્રેસ દેશને લેખિતમાં ગેરંટી આપે કે…

આણંદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આણંદના વિદ્યાનગરમાં જંગી જનસભાને સંબોધન કર્યું હતું. ત્યારે તેમની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને ત્રણ ચેલેન્જ આપી હતી.

પહેલી ચેલેન્જ – કોંગ્રેસ અને તેના ચટ્ટેબટ્ટે દેશને લેખિતમાં ગેરંટી આપે કે તે સંવિધાન બદલીને ધર્મના આધારે મુસલમાનને આરક્ષણ નહીં આપે. દેશને વહેંવાનું કામ નહીં કરે.

બીજી ચેલેન્જ – કોંગ્રેસ દેશને લેખિતમાં આપે કે તે એસસી, એસટી, ઓબીસીને મળનારા આરક્ષણમાં ગફલત નહીં કરે. તેમનો અધિકાર નહીં છીનવે.

ત્રીજી ચેલેન્જ – કોંગ્રેસ દેશને લેખિતમાં ગેરંટી આપે કે, જે રાજ્યોમાં કોંગ્રેસ અને તેમના સાથીઓની સરકાર છે તેમાં વોટબેન્કની ગંદી રાજનીતિ ક્યારેય નહીં કરે. તે બેકડોરથી ઓબીસીનો ક્વોટા કાપીને મુસલમાનોને આરક્ષણ નહીં આપે.

તેઓ આગળ કહે છે કે, મને ખબર છે કોંગ્રેસ ક્યારેય મારી આ ચેલેન્જ નહીં સ્વીકારે. કારણ કે તેમની નિયતમાં જ ખોટ છે.

10 વર્ષમાં 75 ટકા ઘરમાં પહોંચ્યું નળથી જળ
વડાપ્રધાને કહ્યુ હતુ કે, ‘એક ચાવાળાએ દેશની ઇકોનોમીને નંબર 11થી 5મા નંબરે પહોંચાડી દીધી. બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યા પછી પણ કોંગ્રેસ કરોડો ગરીબોના બેન્ક ખાતા ખોલાવી નથી શકી. મોદીએ 10 વર્ષમાં કરોડો ગરીબોના બેન્ક ખાતા ખોલાવી આપ્યાં છે. 60 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું છે? બેન્કનું રાષ્ટ્રીયકરણ કર્યું. બેન્કો પર કબ્જો કર્યો. 20 ટકાથી પણ ઓછા ઘરમાં પાણી પહોંચાડ્યું. હવે 10 વર્ષમાં 75 ટકા ઘરમાં નળથી જળ પહોંચ્યું છે.’

કોંગ્રેસે SC, ST, OBCને પણ અંધારામાં રાખ્યા
કોંગ્રેસે SC, ST, OBCને પણ અંધારામાં રાખ્યા હતા. OBC આરક્ષણના દરેક પ્રસ્તાવને ફગાવી દીધા હતા. વર્ષોથી OBC સમાજ કહે છે કે, તેમને સંવૈધાનિક દરજ્જો મળે. કોંગ્રેસે તેમનું ન સાંભળ્યું, પણ 2014માં જ્યારે હું દિલ્હી ગયો અને ત્યારે એકબાદ એક કામ મેં કર્યા છે. આ લોકોએ કોંગ્રેસને ઓળખી લીધી. આજે આ બધા ભાજપાની બહુ મોટી તાકાત છે. કોંગ્રેસે આદિવાસીઓ માટે અલગ મંત્રાલય પણ ન બનાવ્યું પણ અમે બનાવ્યું છે.

બે લોકસભા, એક વિધાનસભાની સીટ માટે સમર્થન માગ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 10 કલાકે આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં સભાને સંબોધી હતી. વિદ્યાનગરના શાસ્ત્રી ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાખોની જનમેદની સંબોધન કર્યું હતું. ખેડાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને આણંદના ભાજપના ઉમેદવાર મિતેષ પટેલના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભાને સંબોધન કર્યું હતું. આ સાથે જ ખંભાતની વિધાનસભા સીટને પણ તેમાં આવરી લેવામાં આવી છે. ખંભાતના ભાજપના ઉમેદવારને પણ સમર્થન માટે અપીલ કરી હતી.