May 7, 2024

ખેડૂતો ફરીવાર દિલ્હી તરફ ફરી કૂચ કરશે, જાણો નવી રણનીતિ

દિલ્હી: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે આ પહેલા ફરી એક વખત દેશમાં ખેડૂત આંદોલન થઈ રહ્યું છે. ત્યારે ગઈકાલે સોમવારે પણ ખેડૂત આગેવાનો દિવસભર શંભુ બોર્ડર પર મીટિંગમાં વ્યસ્ત રહ્યા હતા અને રણનીતિ બનાવી હતી. આગેવાનોએ મંચ પરથી સરકારની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સ્ટેજ પરથી કહ્યું હતુ કે, તેઓ 6 માર્ચે શંભુ અને ખનૌરી બોર્ડર પર નક્કર મોરચો કરશે.

કેન્દ્ર સરકાર પર દબાણ લાવવાની તૈયારી
ગઈ કાલે ફરી ખેડૂતોએ મીટિંગ કરી હતી. જેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં મોરચાના અધિકારીઓ સાથે બેઠકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. બીજી બાજુ નેતા ગુરનામ સિંહ ચદુનીએ ચૂંટણી ન લડવાની શરત સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. 6 માર્ય પંજાબના ખેડૂતો બુધવારે દિલ્હી કૂચ કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્ર સરકાર પર દબાણ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

ગૃહ મંત્રાલયે પંજાબ સરકારને કડક સૂચના આપી
ગૃહ મંત્રાલયે પંજાબ સરકારને કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાનો વિષય છે. MHAએ કહ્યું હતું કે એવું લાગે છે કે વિરોધની આડમાં, ઉપદ્રવીઓ/કાયદો તોડનારાઓને પડોશી રાજ્યોમાં અશાંતિ અને અરાજકતા ફેલાવવાના સ્પષ્ટ ઈરાદા સાથે પથ્થરમારો કરવા, ભીડ એકઠી કરવા અને ભારે મશીનરીને સરહદ પર લઈ જવા માટે છૂટ આપવામાં આવી છે. અહેવાલ અનુસાર લગભગ 1200 ટ્રેક્ટર-ટ્રોલીઓ, 300 કાર, 10 મિની-બસ અને અન્ય નાના વાહનો સાથે રાજપુરા-અંબાલા રોડ પર શંભુ બોર્ડર પર લગભગ 14000 લોકોને એકઠા થવાની મંજૂરી આપવામાં આવી હતી. તેવી જ રીતે રાજ્ય સરકારે ધાબી-ગુજરાન બોર્ડર પર લગભગ 500 ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે લગભગ 4500 લોકોના જંગી સભાને મંજૂરી આપી હોવાના અહેવાલો બહાર આવ્યા હતા.