May 6, 2024

લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળી તો ગટગટાવ્યું ઝેર, તમિલનાડુના સાંસદની હાલત ગંભીર

ચેન્નાઈઃ તમિલનાડુના ઈરોડના સાંસદ ગણેશમૂર્તિએ રવિવારે ઝેર પી લીધું હતું. તે પોતાના ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. કહેવાય છે કે ગણેશમૂર્તિએ જંતુનાશક દવા ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગણેશમૂર્તિને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. હોસ્પિટલે હજુ સુધી તેમના વિશે કોઈ મેડિકલ અપડેટ જાહેર કર્યું નથી. એમડીએમકે નેતાના પરિવારનું કહેવું છે કે ડીએમકેએ તેમને ટિકિટ આપવાનો ઇનકાર કર્યા પછી તે ગંભીર માનસિક તણાવમાં હતા અને તેથી તેમણે ઝેર પી લીધું હતું.

2019ની લોકસભા ચૂંટણીમાં, એ ગણેશમૂર્તિએ તેમના AIADMK હરીફ જી મણિમરણને 2,10,618 મતોથી હરાવ્યા હતા. જો કે, આ ચૂંટણીમાં MDMKના સ્થાપક વાઈકોએ તેમના પુત્ર દુરાઈ વાઈકોની ઉમેદવારીનો આગ્રહ રાખ્યો અને ખાતરી કરી કે MDMKને ઈરોડને બદલે તિરુચી બેઠક મળે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીને વળતો પ્રહાર ! BJPને નારી શક્તિ પર વિશ્વાસ, ગોવામાં પહેલી વખત મેદાનમાં મહિલા

ઇ પ્રકાશની ટિકિટ
ડીએમકે મોરચાએ એ ગણેશમૂર્તિની જગ્યાએ યુવા નેતા કે ઇ પ્રકાશને ઈરોડથી મેદાનમાં ઉતાર્યા છે. પ્રકાશને તમિલનાડુના રમતગમત અને યુવા બાબતોના મંત્રી અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનના નજીકના માનવામાં આવે છે.

MDMK નેતા અને વાઈકોના પુત્ર દુરાઈએ કોઈમ્બતુરની એક ખાનગી હોસ્પિટલની મુલાકાત લીધી અને ગણેશમૂર્તિને મળ્યા. જોકે, દુરાઈ વાઈકોએ પ્રવાસ બાદ મીડિયા સાથે વાત કરી ન હતી. ગણેશમૂર્તિના નજીકના સંબંધીએ જણાવ્યું હતું કે વાઈકોએ તેમને ટિકિટ ન આપવા સહિતના ફેરફારો વિશે તેમને જાણ કરી ન હતી. જ્યારે તેમને ટિકિટ ન મળવાના સમાચાર મળ્યા તો તેઓ તણાવમાં આવી ગયા.