February 12, 2025

JEE MAINS રિઝલ્ટમાં 14 વિદ્યાર્થીને 100માંથી 100 માર્ક્સ, ગુજરાતમા શિવેન વિકાસ તોશનીવાલનો પણ સમાવેશ

JEE Main Result 2025: JEE MAINSનું આજે રિઝલ્ટ જાહેર થયું છે. જેમાં સમગ્ર દેશમાં 14 વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. જેમાં ગુજરાતના શિવેન વિકાસ તોશનીવાલનો પણ સમાવેશ થયો છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ આજે 11 ફેબ્રુઆરી, 2025ના રોજ JEE મુખ્ય સત્ર-1 પરિણામ જાહેર કર્યું છે. NTAએ હમણાં જ પેપર-1 (BE/BTech)નું પરિણામ જાહેર કર્યું છે. પેપર-2ના પરિણામો પછીથી જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.inની મુલાકાત લઈ શકે છે. તમે તમારું સ્કોરકાર્ડ અહીં ચકાસી શકો છો.

પરિણામોની જાહેરાત સાથે NTAએ 100% ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની યાદી પણ જાહેર કરી છે. આ વખતે કુલ 14 વિદ્યાર્થીઓએ 100 ટકા ગુણ મેળવ્યા છે. આમાં NCRના બે, ઉત્તર પ્રદેશના બે અને ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના એક-એક વિદ્યાર્થીઓના નામનો સમાવેશ થાય છે. યાદીમાં મોટાભાગના નામ રાજસ્થાનના છે. 100 ટકા મેળવનારા 14 વિદ્યાર્થીઓમાંથી 5 રાજસ્થાનના છે.

JEE મુખ્ય સત્ર-1 પેપર-1 (BE/BTech) પરીક્ષા 22, 23, 24, 28 અને 29 જાન્યુઆરી, 2025ના રોજ 304 શહેરોમાં સ્થિત કુલ 618 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. પેપર-1ની પરીક્ષા માટે કુલ 13,11,544 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. તેમાંથી 12,58,136 (95.93 ટકા) વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.