March 18, 2025

અશ્લીલ ટિપ્પણીના વિવાદ પર પોલીસની કાર્યવાહી, ટીમ રણવીર અલ્હાબાદિયાના ઘરે પહોંચી

Ranveer Allahabadia Controversy: રણવીર અલ્હાબાદિયા પોતાની વાંધાજનક ટિપ્પણીઓને કારણે વિવાદમાં છે. તેમણે સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર આ ટિપ્પણી કરી હતી. યુટ્યુબરે માતા-પિતા અને પરિવાર વિશે અશ્લીલ ટિપ્પણીઓ કરી હતી. ત્યાર બાદ યુટ્યુબર રણવીર, કોમેડિયન સમય રૈના અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુંએન્સર અપૂર્વ માખીજા અને શોના આયોજકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હવે મુંબઈ પોલીસની ટીમ રણવીરના ઘરે પહોંચી ગઈ છે.

ટીમ યુટ્યુબર રણવીરના ઘરે પહોંચી
સમાચાર એજન્સી ANI અનુસાર, મુંબઈ પોલીસની એક ટીમ આજે મંગળવારે યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાના ઘરે પહોંચી છે. ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ શોમાં રણવીરની અશ્લીલ ટિપ્પણીઓ પર થયેલા હોબાળા વચ્ચે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં વધુ માહિતી આવવાની બાકી છે.

કડક કાર્યવાહીની માગ
રણવીર અલ્હાબાદિયા એક પ્રખ્યાત યુટ્યુબર છે તેમના યુટ્યુબ પોડકાસ્ટમાં તેઓ ફિલ્મ હસ્તીઓ અને વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો સાથે ચર્ચા કરતા જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામથી લઈને ટ્વિટર સુધી દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની મજબૂત ફેન ફોલોઇંગ છે. પરંતુ સમય રૈનાના શોમાં તેમણે તાજેતરમાં જે પ્રકારની ટિપ્પણીઓ કરી છે તેનાથી યુઝર્સ ગુસ્સે થયા છે. રણવીર અને સમય રૈના સામે કડક કાર્યવાહીની માગ થઈ રહી છે. ફિલ્મ ઉદ્યોગ અને રાજકીય વર્તુળોના સેલિબ્રિટીઓએ પણ રણવીરની ટિપ્પણીની ટીકા કરી છે.

વિવાદાસ્પદ વીડિયો હટાવી લેવાયો
માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ બાબતે યુટ્યુબને નોટિસ જારી કરી હતી. ઉપરાંત, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પ્રિયાંક કાનુન્ગોએ પણ વીડિયો દૂર કરવાની માંગ કરી હતી. યુટ્યુબે આના પર કાર્યવાહી કરી છે અને તે વીડિયો દૂર કર્યો છે જેમાં આવી અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી.