IPS અધિકારી દલજીત સિંહ ચૌધરીને મળ્યો BSFનો વધારાનો ચાર્જ, હાલ SSBના મહાનિર્દેશક
દિલ્હી: ગૃહ મંત્રાલયે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના મહાનિર્દેશક પદનો વધારાનો હવાલો સશસ્ત્ર સીમા બલ (SSB)ના મહાનિર્દેશક (DG) દલજીત સિંહ ચૌધરીને આગળના આદેશો સુધી સોંપ્યો છે. BSFના ડીજી નીતિન અગ્રવારને તેમના રાજ્ય કેડરમાં પાછા મોકલ્યાના એક દિવસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 1990 બેચના IPS અધિકારી દલજીત સિંહે આ વર્ષે જાન્યુઆરીમાં SSB ડાયરેક્ટર જનરલ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. કેન્દ્ર સરકારે 19 જાન્યુઆરીએ તેમને SSBના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા. SSBના મહાનિર્દેશક તરીકે નિયુક્ત થયા પહેલા, તેઓ CRPFના વિશેષ મહાનિર્દેશક તરીકે નિયુક્ત થયા હતા.
નીતિન અગ્રવારને કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી હટાવ્યા
કેન્દ્ર સરકારે શુક્રવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના ડાયરેક્ટર જનરલ (DG) નીતિન અગ્રવાલ અને તેમના ડેપ્યુટી સ્પેશિયલ ડીજી (વેસ્ટ) વાયબી ખુરાનિયાને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવી દીધા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર બંનેને તેમના મૂળ રાજ્ય કેડરમાં પરત મોકલી દેવામાં આવ્યા છે. નીતિન અગ્રવાલ 1989 બેચના કેરળ કેડરના અધિકારી છે, જ્યારે વાયબી ખુરાનિયા 1990 બેચના ઓડિશા કેડરના અધિકારી છે.
અગ્રવાલે ગયા વર્ષે જૂનમાં સીમા સુરક્ષા દળના વડા તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તો, સ્પેશિયલ ડીજી (વેસ્ટ) તરીકે ખુરાનિયા પાકિસ્તાન બોર્ડર પર BSFનું નેતૃત્વ કરી રહ્યા હતા. કેબિનેટની નિમણૂક સમિતિ (એસીસી) એ અલગ-અલગ આદેશોમાં જણાવ્યું હતું કે તેમને ‘તાત્કાલિક અસરથી અને સમયપત્રક પહેલા’ પાછા મોકલવામાં આવી રહ્યા છે. BSF, લગભગ 2.65 લાખ કર્મચારીઓ સાથેનું એક સુરક્ષા દળ, પશ્ચિમમાં પાકિસ્તાન અને પૂર્વમાં બાંગ્લાદેશ સાથેની ભારતની સરહદોની સુરક્ષા માટે જવાબદાર છે.