December 11, 2024

માફી કે 5 કરોડની કરી હતી માગ… સલમાનને ધમકી આપનારા બિકારામ બિશ્નોઈની ધરપકડ

Salman Khan: છેલ્લા કેટલાક મહિનાઓથી સલમાન ખાનને એક પછી એક ધમકીઓ મળી રહી છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ ધમકીઓનો સિલસિલો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ક્યારેક મેસેજ દ્વારા તો ક્યારેક મેલ દ્વારા સલમાનને મારી નાખવાની ધમકીઓ સતત આવી રહી છે. હવે સલમાન ખાનને ધમકી આપનાર આરોપીની મુંબઈ પોલીસે કર્ણાટકમાંથી ધરપકડ કરી છે.

હાલમાં જ મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ રૂમમાં એક મેસેજ આવ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, સલમાન ખાન મંદિરમાં જઈને માફી માંગે સાથે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ મેસેજ મળ્યા બાદ પોલીસે તુરંત જ આરોપીની શોધ શરૂ કરી હતી. સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિની કર્ણાટકના હાવેરીમાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીનું નામ બિકારામ જલારામ બિશ્નોઈ છે.

આરોપી રાજસ્થાનના જાલોરનો રહેવાસી છે
આરોપી બિકારામ જલારામ બિશ્નોઈ રાજસ્થાનના જાલોર જિલ્લાનો વતની છે. મુંબઈ પોલીસ આરોપીને કર્ણાટકથી મુંબઈ લાવી રહી છે. મોકલવામાં આવેલા ધમકીભર્યા મેસેજના આધારે મુંબઈના વર્લી પોલીસ સ્ટેશને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. મામલાની તપાસ કરતાં જાણવા મળ્યું કે આ મેસેજ કર્ણાટકથી મોકલવામાં આવ્યો હતો, જેના પછી મુંબઈ પોલીસની ટીમ કર્ણાટક પહોંચી અને સ્થાનિક પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી.

આ પણ વાંચો: ધક્કામુક્કી અને પોસ્ટરો ફાડ્યા…. કલમ 370ને લઈને જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળો

આરોપીએ પોતાની ઓળખ લોરેન્સ બિશ્નોઈના ભાઈ તરીકે આપી હતી
ધમકીભર્યો મેસેજ મોકલનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. ધમકી આપનારની માંગણી હતી કે સલમાન કાં તો તેના મંદિરમાં જઈને માફી માંગે અથવા 5 કરોડ રૂપિયાની ખંડણી આપે. ધમકીમાં એ પણ સામેલ હતું કે જો સલમાન ખાન તેની વાત નહીં માને તો તેને મારી નાખવામાં આવશે. આરોપી બિકારમ એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતો હતો અને હાવેરીના ગૌદર વિસ્તારમાં અન્ય મજૂરો સાથે રૂમમાં રહેતો હતો. બિકારમના ઠેકાણા વિશે માહિતી મળ્યા બાદ, મુંબઈ પોલીસે હાવેરી પોલીસને જાણ કરી. ત્યારબાદ તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી.