May 7, 2024

દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનો માહોલ છવાયો, ધરતીપુત્રો ચિંતામાં

Gujarat Weather update south gujarat saurashtra unseasonal rain

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો છે. સુરત, વલસાડ સહિત ભાવનગરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રો ચિંતામાં મૂકાયા છે.

સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદનો માહોલ છવાયો છે. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. ભટ્ટાર, વરાછા, કતારગામ સહિતના વિસ્તારો કમોસમી વરસાદ ખાબક્યો છે. આકરી ગરમી વચ્ચે વરસાદી માહોલ છવાતા લોકોને રાહત મળી છે.

તો બીજી તરફ, વલસાડમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. તેને કારણે ખેડૂતોમાં ચિંતા છવાઈ ગઈ છે. વરસાદથી કેરીના પાકમાં મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ધરમપુર તાલુકામાં કમોસમી વરસાદના કારણે લગ્નમાં વિઘ્ન પડ્યું છે. વરસાદના કારણે લગ્ મંડપ, ડીજે પણ ખરાબ થઈ ગયા છે.

નવસારીના વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળ્યો છે. ગણદેવી તાલુકામાં વહેલી સવારથી કમોસમી વરસાદનો માહોલ છવાયો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે શાકભાજી અને કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

તાપી જિલ્લામાં પણ કમોસમી વરસાદનો માહોલ છવાયો છે. જિલ્લાના કુકરમુંડા, નિઝર, ઉચ્છલ, સોનગઢ, વ્યારામાં કમોસમી વરસાદ પડ્યો છે. વાલોડ અને ડોલવણના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે શાકભાજી તેમજ કેરીના પાકને નુકસાન થાય તેવી શક્યતા છે. તેને લઈને ધરતીપુત્રો ચિંતામાં મૂકાઈ ગયા છે.

તો સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણનો પલટો જોવા મળ્યો છે. ભાવનગરમાં વહેલી સવારથી અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. શહેરના મસ્તરામ બાપા મંદિર, ચિત્રા યાર્ડ, આખલોલ જકાતનાકા, નારી ચોકડી, વરતેજ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અંતરિયાળ વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે.