May 6, 2024

ગુજરાત ATSએ હથિયાર વેચાણનું નેટવર્ક ઝડપ્યું, 6 આરોપીની ધરપકડ

gujarat ats busts arms sale network arrests 6 accused

મિહિર સોની, અમદાવાદઃ ગુજરાત ATSએ હથિયારના વેચાણનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. મધ્યપ્રદેશના ચીખલીગર ગેંગનું કનેક્શન ખુલ્યું છે. ATSએ 25 પિસ્તોલ અને 90 જીવતા કારતૂસ સાથે 6 આરોપીની ધરપકડ કરી છે. ટ્રાવેલ્સની આડમાં હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરનું કનેક્શન ખૂલતા ATSએ તપાસ શરૂ કરી છે.

ચૂંટણી પૂર્વે ગુજરાત ATSએ હથિયારના વેચાણનું નેટવર્ક ઝડપીને મોટી સફળતા મેળવી છે. પોલીસે આરોપી શિવમ ડામોર, પ્રવિણ શ્રીવાસ, સંજય મેર, રાજુ સરવૈયા, વિપુલ સાનિયા અને મનોજ ચૌહાણની હથિયાર કેસમાં ધરપકડ કરી છે. તેમની પાસેથી 25 સેમી ઓટોમેટિક પિસ્તોલ અને 90 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. ગુજરાત ATSની ટીમને બાતમી મળી કે, નારોલ બ્રિજ નજીક હથિયારોની હેરાફેરી થઈ રહી છે. જેથી ATSએ વોચ ગોઠવીને શિવમ ડામોર અને મનોજ ચૌહાણની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 5 પિસ્તોલ અને 20 કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. આ આરોપીની તપાસમાં ATSએ રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં સર્ચ કરીને વધુ 4 આરોપીની ધરપકડ કરીને 20 પિસ્તોલ અને 70 કારતૂસ કબ્જે કર્યા હતા. આ આરોપીઓ મધ્યપ્રદેશથી હથિયાર લાવીને ગુજરાતમાં વેચાણ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

હથિયારની હેરાફેરી અને વેચાણના નેટવર્કની તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય સૂત્રધાર શિવમ ઉર્ફે શિવા ડામોર છે. મૂળ મધ્યપ્રદેશના જાંબુવાનો રહેવાસી છે અને છેલ્લા 3 વર્ષથી ટ્રાવેલ્સમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. આ આરોપી મધ્યપ્રદેશના જાંબુવાથી જામખંભાળિયા સુધી જતી ટ્રાવેલ્સમાં હથિયારોની હેરાફેરી કરતો હતો. જ્યારે આ હથિયાર વિપુલ સાનિયા અને મનોજ ચૌહાણને વેચાણ માટે આપતો હતો. આ હથિયાર 20થી 30 હજારમાં ખરીદીને 50 હજારમાં વેચાણ કરતા હતા. છેલ્લા 3 માસથી આરોપીઓ હથિયારનું વેચાણ કરતા હોવાનો ખુલાસો થયો હતો. ATSની તપાસમાં સામે આવ્યું કે, આરોપી વિપુલ અને શિવમ અગાઉ રાજકોટમાં હથિયાર કેસમાં ધરપકડ થઈ હતી. જેમાં બંને જેલમાં સજા સાથે કાપી હતી. ત્યારબાદ બહાર નીકળી ફરી એક વખત ગેરકાયદેસર હથિયારનું વેચાણ શરૂ કર્યું હતું. નોંધનીય છે કે, આરોપી વિપુલ 3 વર્ષ પહેલાં હથિયાર ખરીદવા માટે એમપી ગયો હતો ત્યારે હથિયારની ડિલિવરી આપવા માટે આરોપી શિવમ આવ્યો હતો અને તેઓની વચ્ચે મિત્રતા થઈ હતી.

હથિયાર વેચાણ નેટવર્ક પાછળ ચિખલિગર ગેંગના 3 આરોપીઓનાં નામ ખૂલ્યા છે. આરોપી મહારાષ્ટ્રના સેંધવા,એમપીના મનાવર, કુકસી અને જાબુંવાથી હથિયાર ખરીદીને લાવતા હતા. ગુજરાતના સૌરાષ્ટ્રમાં વેચાણ કરતા હતા. મહત્નું છે કે, મુખ્ય આરોપી શિવમ મુસાફરોની બેગની વેચે કપડાંની આડમાં હથિયાર છુપાવીને લાવતો હતો. અત્યાર સુધીમાં 10થી 12 જેટલી ટ્રીપથી હથિયાર ગુજરાત ઘુસાડ્યાં છે. હાલ ગુજરાત ATSએ 25 પિસ્તોલ સિવાય અન્ય હથિયાર કોઈને વેચાણ કર્યા છે કે નહીં તેની તપાસ તેમજ ચીખલીગર ગેંગના 3 આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.