May 6, 2024

ચૂંટણી ફંડનો ડેટા જાહેર, ચૂંટણી પંચે SCની સૂચના પર જાહેર કર્યો ડેટા

Electoral Bond Data: ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ પર ઇલેક્ટોરલ બોન્ડ અંગે SBI પાસેથી મેળવેલ ડેટા અપલોડ કર્યો છે. આ પહેલા સોમવારે સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અરજી ફગાવી દીધી હતી. જેમાં રોકડ કરાયેલા ચૂંટણી ફંડની વિગતો જાહેર કરવા માટે 30 જૂન સુધીનો સમય વધારવાની માંગ કરવામાં આવી હતી.

CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે બેંકની અરજી ફગાવી દીધી હતી. બેન્ચે એસબીઆઈને 12 માર્ચ મંગળવારના રોજ કામકાજના કલાકો પૂરા થતાં સુધીમાં માહિતી જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. પાંચ જજોની બેન્ચમાં (CJI સિવાય જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા)એ કહ્યું કે ‘અમે ભારતના ચૂંટણી પંચને SBI પાસેથી માહિતી મેળવવા અને તેની સત્તાવાર વેબસાઇટ પર 15 માર્ચે સાંજે 5 વાગ્યા પહેલા વિગતો પ્રકાશિત કરવા માટે નિર્દેશ આપીએ છીએ.’

SCએ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય જાહેર કરી હતી
નોંધનીય છે કે 15 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય જાહેર કરી હતી અને SBIને આ બાબતનો ખુલાસો કરવાનો આદેશ આપ્યો હતો. 4 માર્ચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં SBIએ કહ્યું હતું કે ચૂંટણી બોન્ડને ડીકોડિંગ કરવામાં અને ડોનરને ડોનેશન સાથે મેચ કરવામાં સમય લાગશે. આ કામ ત્રણ સપ્તાહની સમય મર્યાદામાં પૂર્ણ થશે નહીં. 15 ફેબ્રુઆરીના રોજ આપેલા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ 2018ને ગેરબંધારણીય જાહેર કરી હતી. કોર્ટે SBIને એપ્રિલ 2019થી ખરીદેલા ઈલેક્ટોરલ બોન્ડની વિગતો ભારતના ચૂંટણી પંચને તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવા માટે 6 માર્ચ સુધીમાં સબમિટ કરવા જણાવ્યું હતું.