May 5, 2024

ઝાલોદના રણીયાર ગામે ધૂળેટીએ ભરાય છે ‘ચૂલ’નો મેળો

ડોડીયાર નીલુ, દાહોદ: જિલ્લાના રણીયાર મુકામે ભગવાન રાજા રણછોડના મંદિર ખાતે ભવ્ય ચુલનો મેળો યોજાયો. ગુજરાતના ભાતીગળ મેળા તરીકે ચુલનો મેળો પ્રખ્યાત છે. હોળીના બીજા દિવસે ચુલના મેળાનું આયોજન થાય છે. આજે પણ આ મેળાનું આયોજન થયું હતું. જેમાં બપોર સુધીમાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થાય છે.

ચૂલના મેળાની વિશેષતાની વાત કરીએ તો અહીં એકાદ ફૂટ પહોળો અને પાંચથી છ ફૂટ લંબાઈનો એક મોટો ખાડો ખોદીને તૈયાર કરવામાં આવે છે. આ ખાડામાં બાવળના લાકડાંના મોટા કોલસા (કટકા) વગેરેને સળગાવીને અંગારા બનાવવામાં આવે છે. આ પ્રસંગે બધા આદિવાસી લોકો પોતાના હાથમાં નાળિયેર લઇને પાણીનો ઘડો અથવા લોટો લઈ ઉઘાડા પગે અંગારા પર સાત વાર એક છેડેથી બીજે છેડે ચાલે છે. ત્યારબાદ અગ્નિદેવને પગે લાગી નારિયેળ વધેરે છે.

શ્રદ્ધા સાથે પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરતા આદિવાસીઓ ધગધગતા અંગારાઓ ઉપર ઉઘાડા પગે ચાલીને બહાર નીકળી જાય છે. છતાં તેમના પગ થોડા પણ દાઝતા નથી. અનેક લોકો પોતાના બાળકો અને ઢોરઢાંખરના રક્ષણ માટે અગ્નિદેવતાની બાધા રાખે છે. કેટલાક પુરુષો અને નાની વયના છોકરાઓ શરીરે હળદર ચોળે છે. આંખે આંજણ લગાડી, આંજણના કાળા ટપકાં ગાલે પણ લગાવે છે. હાથમાં તલવાર અને લાકડીઓ સાથે ઢોલના તાલે નાચતા સ્ત્રી-પુરુષો અને બાળકો ચુલના મેળામાં મસ્તી કરે છે.