May 1, 2024

કેરળમાં બતકોથી ફેલાયો બર્ડફ્લૂ, પક્ષીઓને મારવાનો કર્યો નિર્ણય

કેરળ: કેરળમાં ફરી એકવાર બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા છે, જે બાદ આ રોગ ફેલાવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. બર્ડ ફ્લૂના કેસો મળ્યા બાદ વહીવટીતંત્ર દોડતું થઇ ગયું છે. અધિકારીઓનું કહેવું છે કે કેરળના અલપ્પુઝા જિલ્લામાં બે સ્થળોએ બર્ડ ફ્લૂનો ફેલાવો નોંધાયો છે. તેમાં ઇદથવા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1 અને ચેરુથાણા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 3નો સમાવેશ થાય છે.

એવું જાણવા મળ્યું છે કે પાળેલા બતકોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. અધિકારીઓનું કહેવું છે કે બર્ડ ફ્લૂના લક્ષણો દર્શાવ્યા બાદ બતકના સેમ્પલની તપાસ કરવામાં આવી છે. આ નમૂનાઓ ભોપાલની એક લેબમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં રોગની પુષ્ટિ થઈ છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીનું કહેવું છે કે નમૂનામાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા (H5N1)ની પુષ્ટિ થઈ છે.

‘મનુષ્યમાં બર્ડ ફ્લૂ ફેલાય તેવી કોઈ શક્યતા નથી’
બર્ડ ફ્લુ જોવા મળતાં વહીવટીતંત્રે પગલાં લીધાં છે. ભારત સરકારના એક્શન પ્લાન મુજબ જિલ્લા મેજીસ્ટ્રેટની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં એપિક સેન્ટરથી એક કિલોમીટરની ત્રિજ્યામાં ઉછેરવામાં આવતા પક્ષીઓને મારી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને ડર છે કે આ રોગ વધુ વેગ પકડી શકે છે. વહીવટીતંત્રનું કહેવું છે કે એક રેપિડ એક્શન ફોર્સની રચના કરવામાં આવશે અને પ્રાણી કલ્યાણ વિભાગ દ્વારા શક્ય તેટલી વહેલી તકે સંબંધિત તૈયારીઓ પૂર્ણ કરવામાં આવશે. જોકે, જિલ્લા પ્રશાસને લોકોને સાંત્વના આપી છે અને કહ્યું છે કે બિનજરૂરી રીતે ગભરાવાની જરૂર નથી. માનવીઓમાં આ રોગ ફેલાવાની કોઈ શક્યતા નથી.

બર્ડ ફ્લૂ શું છે?
એવિયન ઈન્ફલ્યુએન્ઝાને બર્ડ ફ્લૂ અથવા એવિયન ફ્લૂ કહેવામાં આવે છે. આ પક્ષીઓનો રોગ છે. તે સામાન્ય રીતે જંગલી બતક અને અન્ય પાણીના પક્ષીઓ દ્વારા ફેલાય છે. આ રોગ જંગલી પક્ષીઓથી પાળેલા મરઘીઓમાં પણ ફેલાય છે. જો કે બર્ડ ફ્લૂ માણસોને પણ સંક્રમિત કરી શકે છે. પરંતુ તેની સંભાવના ઘણી ઓછી છે. જો કોઈ વ્યક્તિ ધૂળમાં રહેલા વાયરસમાં શ્વાસ લે છે, તો તેને ચેપ લાગી શકે છે. આ સિવાય સંક્રમિત વસ્તુને સ્પર્શ કર્યા પછી પણ ચેપ લાગી શકે છે.