May 22, 2024

Kesar Mango: ગીર પંથકની કેસર કેરી વિદેશના સીમાળા ઓળંગતી જોવા મળશે

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની નિકાસમાં જબ્બર માંગ જોવા મળી રહી છે.

રાજેશ ભજગોતર, ગીર સોમનાથ: ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાસ કરીને ખાડી દેશોમાં કેસર કેરીની માંગ વધી રહી છે ત્યારે કેસર કેરીની આંતરરાષ્ટ્રીય નિકાસ સાથે સંકળાયેલા ખેડૂતો આ વર્ષે કેરીની નિકાસને લઈને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ગયા વર્ષે 1100 ટનથી વધુ કેસર કેરી વિદેશોમાં એક્સપોર્ટ થઈ હતી ત્યારે આ વર્ષે કેસર કેરીમાં પ્રતિકૂળ હવામાન અને ગ્લોબલ વોર્મિંગના કારણે કેસર કેરીમાં 50 ટકાનો ઘટાડો આવી શકે છે અને વિદેશમાં પણ 800 ટન જેટલી કેસર એક્સપોર્ટ થવાની ધરણા સેવાઈ રહી છે.

તાલાળાની કેસર કેરી દુબઈ, કેનેડા, મસ્કત, રસિયા જેવા દેશોમાં અત્યારે એક્સપોર્ટ થઈ રહી છે હવે પછી ઓસ્ટ્રેલિયા અને યુએસએ પણ એક્સપોર્ટ થશે. તાલાળાથી એક્સપોર્ટ કરવા માટે કેસર કેરીનું ગ્રેડિંગ કરવામાં આવે છે. જેમાં આંતરરાષ્ટ્રીય ધારા ધોરણનું પાલન કરવાની સાથે એક્સપર્ટ ક્વોલિટીની એક સમાન કદ ધરાવતી કેરીઓને 12, 9 અને 6 નંગના પુઠાના બોક્સમાં પેક કરીને તેને અમદાવાદ હવાઈ મથકે મોકલવામાં આવે છે ત્યાંથી જે તે દેશની આંતરરાષ્ટ્રીય વિમાન સેવામાં ત્યાંના ઓર્ડર મુજબ કેરીના બોક્સને મોકલવામાં આવે છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની નિકાસમાં જબ્બર માંગ જોવા મળી રહી છે. ગલ્ફના દેશોમાં પ્રતિદિન 10 થી 12 ટન ગુણવત્તા યુક્ત કેરીની માંગ થઈ રહી છે. જેને આગામી દિવસોમાં ગીર પંથક પૂરી કરશે તેવો વિશ્વાસ પણ કેરીની નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

વર્તમાન વર્ષ કેસર કરીનું ઉત્પાદન પણ મબલખ થયું છે અને કેસર કેરીના બોક્સના ભાવ પણ હાલ ઉંચા મળી રહ્યા છે તો હવે વિદેશ એક્સપોર્ટને લઇ ખેડૂતોમાં બેવડી ખુશી જોવા મળી રહી છે.