ન્યૂઝ કેપિટલના અહેવાલની અસર, રાધાનેસડા ગામમાં તંત્ર દોડતું પહોંચ્યું
બનાસકાંઠાઃ વાવના રાધાનેસડા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે આ સમગ્ર મામલે ન્યૂઝ કેપિટલે અહેવાલ રજૂ કર્યો હતો અને તેની અસર દેખાઈ રહી છે. ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ રાધાનેસડા ગામમાં તંત્ર દોડતું થયું હતું.
ગ્રામજનોની માગણી હતી કે, ગામમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ગ્રામજનોની માગણીને લઈને ન્યૂઝ કેપિટલ ગુજરાતે અહેવાલ રજૂ કર્યો હતો. અધિકારીઓ રાધાનેસડા ગામે પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. જેમાં મામલતદાર, UGVCL અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.
અધિકારીઓ અને ગ્રામજનોની બેઠકમાં પીવાના પાણીના પ્રશ્નનો હલ થયો હતો. પહેલા એક પીવાના પાણીનું ટેન્કર મળતું હતું તેના બદલે હવે બે ટેન્કર મળશે. આ ઉપરાંત અન્ય મામલાઓમાં પણ ગ્રામજનોની હાલાકી દૂર કરવાની ખાતરી આપી હતી.
ગ્રામજનોએ દાવો કર્યો છે કે, લાઈટ પાણી અને સારા શિક્ષણની સુવિધાઓથી વંચિત ગામ છે. તેવા આક્ષેપ સાથે ગ્રામજનોએ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો.