December 11, 2024

બનાસકાંઠાના પાલનપુર માર્કેટ યાર્ડમાં લાભ પાંચમની પરંપરાગત ઉજવણી

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ ભારતમાં દરેક શુભ કામ માટે સારો દિવસ અને મુહૂર્ત શુભ જોવામાં આવે છે. ત્યારે લાભ પાંચમના તહેવારને શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. બનાસકાંઠાના પાલનપુર માર્કેટયાર્ડમાં આજે લાભ પાંચમના દિવસે વેપારીઓએ પરંપરાગત રીતે સામુહિક વજન કાંટાને કુમકુમ તિલકથી વધાવી ધંધા રોજગારની શુભ શરૂઆત કરી હતી.

નવા વર્ષમાં લાભ પાંચમ એટલે તમામ ધંધા રોજગારના શુભારંભ માટેનો શ્રેષ્ઠ દિવસ. વેપારીઓ માટે પણ વેપારનું મુહૂર્ત કરવાનો અનેરો ઉત્તમ દિવસ છે. લાભ પાંચમના દિવસે બનાસકાંઠામાં વેપારીઓએ નવા વર્ષમાં ધંધા રોજગારની શુભ શરૂઆત કરી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં બીજા નંબરની સૌથી વધુ આવક ધરાવતા ડીસા માર્કેટ યાર્ડમાં પણ આજે વેપારીઓએ સામૂહિક રીતે એક જ મુહૂર્તમાં વેપાર ધંધાની શરૂઆત કરી હતી.

પાલનપુર માર્કેટ યાર્ડમાં 250 જેટલી પેઢીઓ આવેલી છે અને દર વર્ષે વાઘ બારસથી આ તમામ વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ કરે છે અને સાત દિવસનું વેકેશન રાખે છે. ત્યારબાદ લાભ પાંચમના દિવસે એક જ શુભ મુહૂર્તમાં તમામ વેપારીઓ સામુહિક રીતે પોતાના ધંધા રોજગારની શરૂઆત કરે છે. આ વર્ષે પણ લાભ પાંચમના દિવસે સવારના શુભ મુહૂર્તમાં વેપારીઓએ ખેડૂતોના હસ્તે વજન કાંટાને કુમકુમ તિલક કરી, દીવો પ્રગટાવી પૂજા કરી ગોળ-ધાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાયું હતું.

માર્કેટ યાર્ડનો આધાર ખેતી પર હોય છે અને જો ખેતી સારી થાય તો વ્યાપારીઓ અને ખેડૂતો બંનેને ફાયદો થાય છે. તેમજ ખેડૂત સદ્ધર બને તો ગામ અને શહેર પણ સદ્ધર બને છે. તે માટે તમામ વેપારીઓએ ખેડૂતોના હસ્તે મુહૂર્ત કરાવી એકબીજાનું મોઢું મીઠું કરાવી આવનાર નવા વર્ષમાં ખેતી પાક સારો થાય અને ખેડૂતોને લાભ થાય તેમ જ તમામ લોકોના ધંધા રોજગાર ખૂબ જ સારા ચાલે અને લાભ થાય તેવી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.