શહબાઝ શરીફે 8 વર્ષ બાદ PM મોદીને કેમ બોલાવ્યા પાકિસ્તાન? જાણો કારણ
M Modi Invitation: શાહબાઝ શરીફે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. શાહબાઝ શરીફે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના અન્ય નેતાઓ સાથે PM મોદીને આમંત્રણ આપ્યું છે. કાઉન્સિલ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની બેઠકમાં હાજરી આપવા માટે આ આમંત્રણ આપવામાં આવ્યું છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે CHGની બેઠક 15 અને 16 ઓક્ટોબરે યોજાવાની છે. છેલ્લા આઠ વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે ભારતના વડાપ્રધાનને પાકિસ્તાન તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.
પાકિસ્તાનના આમંત્રણ બાદ હવે સમગ્ર વિશ્વની નજર તેના પર છે કે શું તણાવપૂર્ણ સંબંધો વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન જશે કે પછી તેમના સ્થાને ભારતનું પ્રતિનિધિત્વ કરવા કોઈ મંત્રીને ઈસ્લામાબાદ મોકલશે. હાલમાં SCOની અધ્યક્ષતા પાકિસ્તાન પાસે છે.
પીએમ મોદી કઝાકિસ્તાન ગયા નથી
CHG મીટિંગ ‘કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ’ પછીની બીજી સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેતી સંસ્થા છે, જે 15 અને 16 ઓક્ટોબરે યોજાવાની છે. સામાન્ય રીતે પીએમ મોદી રાજ્યોના વડાઓની સમિટમાં ભાગ લેતા હોય છે, પરંતુ આ વર્ષે જુલાઈ મહિનામાં સંસદના સત્ર દરમિયાન તારીખોના વિવાદને કારણે તેઓ કઝાકિસ્તાન ગયા ન હતા. તે સમયે વિદેશ મંત્રી એસ જયશંકરને ભારતનું પ્રતિનિધિત્વ કરવા મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ, મહીસાગરમાં આભ ફાટ્યું
પાકિસ્તાનમાં યોજાનારી CHGની બેઠકમાં હજુ સુધી એ નિર્ણય લેવામાં આવ્યો નથી કે જે નેતાઓ હાજર નહીં રહી શકે તેઓને આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે સામેલ કરવામાં આવશે કે નહીં. ભારત અને પાકિસ્તાન બંને SCO ના પૂર્ણ સભ્ય છે. આ સંગઠનનું નેતૃત્વ ચીન અને રશિયા કરે છે, તેથી ભારત તેના વિશે ખૂબ જ સાવચેત રહે છે. ભારત ઈચ્છે છે કે આ સંગઠનમાં ચીનનો પ્રભાવ ન વધે, જો આવું થાય તો તે પશ્ચિમ વિરોધી સંગઠનનું રૂપ લઈ શકે છે.
ભારત તરફથી હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી
ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે, તેમ છતાં કેટલાક મુદ્દા એવા છે જ્યાં ભારત અને પાકિસ્તાન સહયોગ કરવામાં સફળ રહ્યા છે. પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ વર્ષ 2023માં ભારતની અંદર યોજાયેલી SCOની બેઠકમાં ભાગ લીધો હતો. હાલમાં, આ વખતે ભારત તરફથી CHG બેઠકમાં કોણ હાજરી આપશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.