November 5, 2024

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં ચાલુ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ મતદાનને આડે હવે દસ દિવસ બાકી છે. ત્યારે કોંગ્રેસે પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસે નવા વર્ષથી પ્રચારની શરૂઆત કરી છે. સાંસદ ગેનીબેન ઠાકોર, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને કોંગ્રેસી આગેવાનો એક મંચ પર આવ્યા છે. જો કે ઠાકરશી રબારી જે ખેડૂત નેતા છે, તેઓ ક્યાંકને ક્યાંક હજુ પણ સભામાં કોંગ્રેસ વિરોધી નિવેદન કરી રહ્યા છે.

સાંસદ ગેનીબેન ઠાકોરે વાછરડાની સભામાં શંકર ચૌધરીને વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, ‘બેસણું એક સામાજિક રીતરિવાજ છે. ત્યાં લોકોને હડાય છે, મળે છે. ત્યાં દુઃખમાં ભાગીદાર થવાનું હોય છે. મત માગવા જવાનું નથી હોતું.’

ગુલાબસિંહ રાજપૂતે પણ વાછરડા ખાતેની સભામાં નિવેદન કર્યું હતું કે, ‘વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે લડાઈ છે. ભાજપ ક્યાંય પિક્ચરમાં નથી.’ ગુલાબસિંહ રાજપૂત પૂર્વ ધારાસભ્ય અને તેમના દાદા હેમાભા રાજપૂતના નામે મતદારો પાસેથી મત માગી રહ્યા છે. જો કે, વિસ્તારમાં રોડ રસ્તા અને વિકાસના કામોની પણ વાત ગુલાબસિંહ રાજપૂત કરી રહ્યા છે.

ત્યારે વાવ વિધાનસભાના ગામડાઓમાં વિકાસની ઉણપ છે. ક્યાંક રોડ-રસ્તા અને પાણીના પ્રશ્નો છે, જે લોકો કેમેરા સામે કહી રહ્યા છે. લોકોને એવો ઉમેદવાર જોઈએ છે કે તેમની સમસ્યાનું નિવારણ લાવી શકે. જો કે કોંગ્રેસે તો ભાજપને અવગણીને અત્યારથી પ્રચાર ચાલુ કરી દીધો છે અને અપક્ષ અને કોંગ્રેસ વચ્ચે કોંગ્રેસ સીધી લડાઈ માની રહ્યું છે.