September 19, 2024

રશિયાના અનેક વિસ્તારમાં યુક્રેની સેનાનો કબજો, ફસાયેલા ભારતીયોને ઘર છોડવાની એડવાઝરી જાહેર

Russia Ukraine War: યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે ભારત સરકારે તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. ભારતીય નાગરિકોને તે વિસ્તારો છોડીને અન્ય સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું છે જ્યાં હાલ પરિસ્થિતિ તંગ છે, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી એવા અહેવાલો છે કે યુક્રેનની સેના સરહદ પાર કરીને રશિયામાં ઘૂસી ગઈ છે. યુક્રેનની સેનાએ કુર્સ્ક વિસ્તાર પર કબજો કરી લીધો છે. ભારતીય દૂતાવાસે તેના નાગરિકોની સુરક્ષા માટે એડવાઈઝરી જારી કરી છે. બેલગોરોડ, કુર્સ્ક અને બ્રાયન્સ્ક વિસ્તારમાં રહેતા ભારતીય નાગરિકોએ આ વિસ્તારો છોડીને સલામત સ્થળોએ જવું જોઈએ એવું કહેવામાં આવ્યું હતું. જો કોઈને કોઈ મદદની જરૂર હોય તો દૂતાવાસ સંપૂર્ણ રીતે તૈયાર છે. મદદ માટે, દૂતાવાસે એક ઈ-મેલ જારી કર્યો છે – edu1.moscow@mea.gov.in. તમે હેલ્પલાઇન નંબર +7 9652773414 પર કૉલ કરીને પણ મદદ માટે પૂછી શકો છો.

રશિયાના ઘણા વિસ્તારોમાં કટોકટી લાદવામાં આવી
હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે સ્થિતિ ઘણી તંગ છે. આ પહેલીવાર છે જ્યારે યુક્રેનની સેના રશિયન વિસ્તારમાં પ્રવેશી છે. જેના કારણે રશિયાના બેલગોરોડમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અગાઉ 8 ઓગસ્ટે કુર્સ્કમાં પણ ઈમરજન્સી લાદવામાં આવી હતી. બેલગોરોડના ગવર્નરે કહ્યું છે કે યુક્રેનના બોમ્બ ધડાકાને કારણે ઘરો ધ્વસ્ત થઈ રહ્યા છે અને સામાન્ય લોકો જીવ ગુમાવી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે યુક્રેનિયન સૈનિકો દરરોજ 2 થી 3 કિમી રશિયન વિસ્તારમાં આગળ વધી રહ્યા છે. અમે કુર્સ્કમાં મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરી છે. તેમણે બુધવારે એમ પણ કહ્યું હતું કે યુક્રેનની સેનાએ કુર્સ્કમાં રશિયન Su-34 જેટને તોડી પાડ્યું હતું. આના એક દિવસ પહેલા ઝેલેન્સકીએ કહ્યું હતું કે યુક્રેને રશિયાના 74 ગામો કબજે કર્યા અને 100 રશિયન સૈનિકોને પણ બંધક બનાવ્યા.

આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સની અંતરિક્ષમાંથી વાપસી પર અસમંજસ! નહીંતર…

લાખો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી
એક અહેવાલ મુજબ યુક્રેને બુધવારે 17 રશિયન ડ્રોન તોડી પાડ્યા હતા. યુક્રેનના હુમલા બાદ 2 લાખથી વધુ રશિયન નાગરિકોને તેમના ઘર છોડીને ભાગવું પડ્યું હતું. જોકે, તેઓને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. યુક્રેને 6 ઓગસ્ટે રશિયાના કુર્સ્ક પર હુમલો કર્યો હોવાની માહિતી મળી હતી. તેમણે 13 ઓગસ્ટ સુધીમાં 1000 ચોરસ કિમી વિસ્તાર કબજે કર્યો. બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલીવાર બન્યું છે કે કોઈ દેશ રશિયાની સરહદમાં ઘૂસણખોરી કરી હોય.