January 22, 2025

10 વર્ષથી 239 મુસાફરો સાથે ગુમ છે આ પ્લેન, હવે અમેરિકન કંપની કરશે સર્ચ ઓપરેશન

Malaysia missing plane: લગભગ 10 વર્ષથી 239 મુસાફરો સાથે ગુમ થયેલા પેસેન્જર પ્લેનનો આજ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ન તો પ્લેનનો કોઈ કાટમાળ મળ્યો ન તો તેના મુસાફરો વિશે આજદિન સુધી કંઈ જાણવા મળ્યું નથી. હવે એક અમેરિકન કંપનીએ પ્લેન માટે સર્ચ ઓપરેશન હાથ ધરવાનું નક્કી કર્યું છે. મલેશિયા સરકાર પ્લેન ‘MH370’ની ફરી શોધખોળ શરૂ કરવા માટે અમેરિકન કંપનીના ‘નો ફાઇન્ડ, નો ફીસ’ (એરક્રાફ્ટ ન મળે તો કોઈ ચાર્જ નહીં) પ્રસ્તાવને સૈદ્ધાંતિક રીતે સ્વીકારવામાં આવ્યો છે.

પરિવહન મંત્રી એન્થોની લોકે શુક્રવારે આ માહિતી આપી હતી. એવું માનવામાં આવે છે કે ફ્લાઇટ MH370 લગભગ 10 વર્ષ પહેલા દક્ષિણ હિંદ મહાસાગરમાં ક્રેશ થઈ હતી. લોકે કહ્યું કે કેબિનેટ મંત્રીઓએ ગયા અઠવાડિયે તેમની મીટિંગમાં ટેક્સાસની કંપની ‘ઓશન ઈન્ફિનિટી’ને સમુદ્રમાં 15,000 ચોરસ કિલોમીટરની નવી જગ્યા પર સંશોધન ચાલુ રાખવાની પરવાનગી આપી હતી. “ઓશન ઇન્ફિનિટી દ્વારા ઓળખવામાં આવેલા પ્રસ્તાવિત નવા સંશોધન ક્ષેત્રો નિષ્ણાતો અને સંશોધકોના નવીનતમ ડેટા વિશ્લેષણ પર આધારિત છે, તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું. કંપનીનો પ્રસ્તાવ વિશ્વાસપાત્ર છે.’

2014માં પેસેન્જર પ્લેન ગુમ થયું હતું
8 માર્ચ, 2014 ના રોજ, બોઇંગ 777 એરક્રાફ્ટનો ટેકઓફ પછી તરત જ રડાર સંપર્ક તૂટી ગયો. આ પ્લેનમાં 239 લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગના ચીનના નાગરિક હતા. આ વિમાન મલેશિયાની રાજધાની કુઆલાલંપુરથી બેઇજિંગ માટે ઉડ્યું હતું.