સુરતમાં ટ્રેડિશનલ ડ્રેસમાં સ્કૂલે જઈ રહેલી વિદ્યાર્થિનીની વાનચાલકે કરી છેડતી, પોલીસે જેલભેગો કર્યો
અમિત રુપાપરા, સુરતઃ ઓલપાડ દાંડી રોડ પર આવેલી શાળાના ધોરણ 11મા અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની શાળાએ લઈ જતા અને લાવતા સ્કૂલવાનચાલકે શારીરિક અડપલા કરી મોબાઇલમાં ફોટા પાડવાનો પ્રયાસ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વિદ્યાર્થિનીએ સમગ્ર હકીકત શાળાના શિક્ષકને કહી હતી. શાળાએથી અન્ય સ્કૂલવાન મારફતે વિદ્યાર્થિનીને ઘરે મોકલતા માતા જોઈ ગઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીને માતાએ પૂછતા છેડતીખોર સ્કૂલવાનચાલકની કરતૂતોનો ભાંડો ફૂટ્યો હતો. માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ચાલકની ધરપકડ કરી જેલ ભેગો કરી આગળની તપાસ હાથ ધરી હતી.
સુરતમાં ફરી એક વખત વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલવાન અને ઓટોરિક્ષામાં શાળાએ દીકરીઓને મોકલતા વાલીઓ માટે આ કિસ્સો ચિંતાનો વિષય બનીને સામે આવ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની કિશોરી સાથે શાળાના જ સ્કૂલ વાનચાલક દ્વારા શારીરિક અડપલાં કરી મોબાઇલમાં ફોટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર હકીકત સામે આવતા મામલો અડાજણ પોલીસ મથકે પહોંચ્યો હતો.
સુરતના ઓલપાડ દાંડી રોડ પર દિલ્હી પબ્લિક સ્કૂલ આવેલી છે. સ્કૂલના ધોરણ 11માં અભ્યાસ કરતી સગીર વયની કિશોરી નાનાભાઈ જોડે વિજય પોસતુરેની સ્કૂલવાનમાં ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે જાય છે. આ દરમિયાન છેલ્લા એક મહિનાથી શાળાએ લઈ જતો અને લાવતો સ્કૂલવાનચાલક અને બે સંતાનોનો પિતા વિજય સગીરા જોડે શારીરિક અડપલાં કરતો હતો. એટલું નહીં પરંતુ હેમખેમ રીતે મોબાઈલમાં તેના ફોટા પાડવાનો પણ પ્રયાસ કરતો હતો.
આ દરમિયાન ગુરુવારે સગીરાએ નાનાભાઈ જોડે વિજયની સ્કૂલવાનમાં શાળાએ જવા નીકળી હતી. જે વેળાએ વિજય દ્વારા તેની જોડે શારીરિક અડપલા કર્યા હતા. શાળામાં ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાથી સગીરા ટ્રેડિશનલ ડ્રેસમાં શાળાએ જવા સ્કૂલવાનમાં નીકળી હતી. પરંતુ વિજયની દાનત સગીરા પર બગડી હતી. વિજય દ્વારા સગીરા જોડે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મોબાઈલમાં તેના ફોટા પાડવાના પણ પ્રયાસ કર્યા હતા. જે સમગ્ર હકીકત સગીરાએ શાળાએ ગયા બાદ શિક્ષકને જણાવી હતી. શાળાએથી છૂટ્યા બાદ શિક્ષકે અન્ય સ્કૂલ વાન મારફતે વિદ્યાર્થિનીને ઘરે મોકલી હતી.
અન્ય સ્કૂલમાં ઘરે પહોંચેલી સગીરાની માતા દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જેથી સગીરાએ તમામ બાબત માતાને જણાવતા છેડતીખોર વિજયની કરતૂતોનો ભાંડો ફૂટી ગયો હતો. ત્યારબાદ માતાએ તાત્કાલિક ધોરણે આ મામલે સુરતના અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અડાજણ પોલીસ દ્વારા વિજય પોસ્તુરેની ધરપકડ કરી જેલભેગો કરી દીધો હતો.
મહત્વનું છે કે, સુરતના વિસ્તારમાં સામે આવેલા કિસ્સાએ વાલીઓની ચિંતામાં વધારો કર્યો છે. વાલીઓ દીકરીઓને સ્કૂલવાન અને ઓટો રિક્ષાચાલકોના ભરાશે શાળાએ મોકલી તો આપે છે, પરંતુ તેની આ દીકરીની સુરક્ષા અને સલામતી કેટલી એક મોટો સવાલ અહીં ઊભો થાય છે. આ ઘટનામાં સ્કૂલવાનચાલકનો ભાંડો વિદ્યાર્થિનીની હિંમતના કારણે ફૂટ્યો હતો. જો આવી જ રીતે દીકરીઓ આવી ઘટનાઓનો હિંમતભેર સામનો કરે તો સમાજમાં પડદાં પાછળ રહેલા આવા નરાધમો બેનકાબ થાય તે વાતમાં કોઈ બે મત નથી. પરંતુ આ ઘટનામાં વિદ્યાર્થિનીની હિંમતને પણ દાદ આપવી પડે તેમ છે. કારણ કે, આવી ઘટનાઓમાં ક્યારેક વિદ્યાર્થિનીઓ સમાજમાં બદનામીના દરથી માતા-પિતાને આ બાબત જણાવતા નથી. પરિણામે આવા નરાધમોની હિંમત વધુ ખૂલે છે અને ફરી આવી ઘટનાઓને અંજામ આપે છે.