May 7, 2024

‘પીએમ મોદી પાસે શીખવું જોઇએ’, કંગના પર ટિપ્પણી મામલે કોંગ્રેસ પર ભડકી નવનીત રાણા

Kangana Ranaut Post Controversy: અભિનેત્રી કંગના રનૌત પર કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતની ટિપ્પણીનો મુદ્દો તેજ બન્યો છે. આ મામલે અમરાવતીની સાંસદ નવનીત રાણાની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી શીખવાની સલાહ આપી હતી. અમરાવતીના સાંસદ નવનીત રાણાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. નવનીત રાણાએ સુપ્રિયા શ્રીનેત પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે આવી પોસ્ટ કરીને તેણે એક મહિલાનું અપમાન કર્યું છે.

નવનીત રાણાએ આપી પ્રતિક્રિયા
કોંગ્રેસના સાંસદની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા નવનીત રાણાએ કહ્યું કે, ‘તેઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી શીખવું જોઈએ કે મહિલાઓનું સન્માન કેવી રીતે કરવું.પીએમ મોદીએ મહિલાઓને 33 ટકા અનામત આપી છે. કંગના જેવી તમામ મહિલાઓ પોતાનું સન્માન અને સ્વાભિમાન લઇને પોતાના પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવા માટે કામ કરે છે. દેશની મહિલાઓ આ સહન નહીં કરે. તે ચોક્કસપણે કોંગ્રેસને આનો જવાબ આપશે.

આ પણ વાંચો: સુપ્રિયા શ્રીનેત પર તાત્કાલિક કાર્યવાહી થાય, કંગના મામલે મહિલા આયોગનો ચૂંટણી પંચને પત્ર

કોંગ્રેસ પર ભડક્યા ભાજપના નેતા
અમરાવતીના સાંસદે કહ્યું કે કંગના રનૌત પર ટિપ્પણી કરવી એ માત્ર કંગનાને ટાર્ગેટ કરવાનું નથી. કોંગ્રેસના નેતાઓ કદાચ ભૂલી રહ્યા છે કે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પણ કોંગ્રેસના નેતા હતા. હાલ સોનિયા ગાંધી કોંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધી હંમેશા કહે છે કે તેમની પાર્ટી મહિલાઓનું સન્માન કરે છે. આવી સ્થિતિમાં જો કોઈ કોંગ્રેસી નેતા આવી ટિપ્પણી કરે તો તે ખૂબ જ શરમજનક છે. દેશની મહિલાઓ આની નિંદા કરે છે.

બીજી બાજુ, કોંગ્રેસ નેતાએ પોતાની ટિપ્પણી પર સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમનું એકાઉન્ટ હેક થઈ ગયું છે. જો કે વિવાદ બાદ તે પોસ્ટ હટાવી દેવામાં આવી છે. નોંધનીય છે કે, ભાજપે અભિનેત્રી કંગના રનૌતને હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા સીટ માટે ઉમેદવાર બનાવ્યા છે.