May 2, 2024

રાજ્યસભા પહોંચ્યા સુધા મૂર્તિ, PM મોદીએ કહ્યું- તમારું સ્વાગત છે…!

Sudha Murthy Nominated For Rajya Sabha: પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને ઈન્ફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ સુધા મૂર્તિને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આ ‘નારી શક્તિ’નો એક શક્તિશાળી પુરાવો છે. પીએમ મોદીએ સોશિયમ મીડિયા પ્લેટફોર્મ X પર સુધા મૂર્તિને રાજ્યસભામાં તેમના નામાંકન બદલ અભિનંદન પાઠવ્યા છે.

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે ‘મને ખુશી છે કે ભારતના રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિજીને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સુધાજીનું યોગદાન અતુલનીય અને પ્રેરણાદાયી રહ્યું છે. રાજ્યસભામાં તેમની ઉપસ્થિતિ એ આપણી ‘નારી શક્તિ’નો શક્તિશાળી પુરાવો છે.જે આપણા દેશનું ભાગ્ય ઘડવામાં મહિલાઓની શક્તિ અને ક્ષમતાનું ઉદાહરણ છે. હું તેમને સફળ સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવું છું.’

કોણ છે સુધા મૂર્તિ?
સુધા મૂર્તિ ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન અને સાથે સાથે શિક્ષક અને લેખક પણ છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા છે. તેમનો જન્મ 19 ઓગસ્ટ 1950ના રોજ શિગાંવમાં થયો હતો. તેણે 1978માં ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ સાથે લગ્ન કર્યા. સુધા મૂર્તિ અને નારાયણ મૂર્તિને બે બાળકો છે. એક પુત્રી અક્ષતા મૂર્તિ જે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકની પત્ની છે અને સુધા મૂર્તિના પુત્રનું નામ રોહન મૂર્તિ છે. જે અમેરિકા સ્થિત સોફ્ટવેર ડેવલપમેન્ટ ફર્મ સોરોકો (Soroco)ના સ્થાપક છે, આ ઉપરાંત ભારતમાં રોહન મૂર્તિ દ્વારા મૂર્તિ ક્લાસિકલ લાયબ્રેરીની પણ સ્થાપના કરવામાં આવી છે.