November 6, 2024

હાલ ભારતમાં જ રોકાશે શેખ હસીના, અમેરિકાએ રદ્દ કર્યા વિઝા

Bangladesh Crisis: બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન અને હિંસા ચાલી રહી છે. બીજી બાજુ, સોમવારે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના આર્મીના હેલિકોપ્ટરમાં ભારત આવી પહોંચ્યા હતા. હવે એવું કહેવાઈ રહ્યું છે કે કેટલીક અનિશ્ચિતતાઓને કારણે શેખ હસીનાની આગળની યાત્રાની યોજનાઓ રદ્દ થઈ ગઈ છે. ત્યારે હવે શેખ હસીના આગામી કેટલાક દિવસો સુધી ભારતની બહાર જાય તેવી કોઈ શક્યતા નથી. તો બીજી બાજુ, અમેરિકાએ શેખ હસીનાના વિઝા રદ્દ કર્યા છે.

કડક સુરક્ષા વચ્ચે અજ્ઞાત સ્થળે રોકાયા છે શેખ હસીના
જણાવી દઈએ કે, સોમવારે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ શેખ હસીના દિલ્હી નજીકના હિંડન એરબેઝ પર પહોંચ્યા હતા. તેઓ ચુસ્ત સુરક્ષા વચ્ચે અજ્ઞાત સ્થળે રોકાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે શેખ હસીના લંડન જવાના હતા, પરંતુ હવે તે અન્ય જગ્યાઓ વિશે વિચારી રહી છે. વાસ્તવમાં, બ્રિટિશ સરકારનું કહેવું છે કે શેખ હસીનાને લંડનમાં કોઈપણ સંભવિત તપાસ હેઠળ કાનૂની રક્ષણ મળવાની શક્યતા નથી. આ મામલા સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે અવામી લીગના નેતા શેખ હસીનાને ભારતથી લંડન જવાનું હતું. ભારતમાં હિંડન એરબેઝ પહોંચતા પહેલા શેખ હસીનાના સહયોગીઓએ ભારતમાં હાજર અધિકારીઓને આ અંગે માહિતી આપી હતી.

વધુમાં જાણવા મળી રહ્યું છે કે શેખ હસીના અમેરિકા પણ નહિ જઈ શકે કારણ કે અમેરિકાએ શેખ હસીનાના વિઝા રદ્દ કર્યા છે.

શું કહ્યું બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લેમીએ?
સોમવારે બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લેમીએ લંડનમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં જબરદસ્ત હિંસા જોવા મળી છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશે અભૂતપૂર્વ હિંસા વચ્ચે જીવન અને સંપત્તિનું દુ:ખદ નુકસાન જોયું છે અને દેશના લોકો સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વમાં સંપૂર્ણ અને સ્વતંત્ર તપાસને પાત્ર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હસીનાને તેની મુસાફરીની યોજનાઓમાં કેટલીક અડચણોનો સામનો કરવો પડ્યો છે અને તે આગામી કેટલાક દિવસો સુધી ભારતમાં રહી શકે છે. તેમણે સ્થિતિને ગતિશીલ ગણાવી હતી અને કહ્યું હતું કે આ મામલે કોઈ ચોક્કસ રસ્તો કે સ્પષ્ટતા નથી. ભારે વિરોધ બાદ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. નોકરીઓમાં અનામત આપવાના વિરોધમાં આ પ્રદર્શનો શરૂ થયા હતા, પરંતુ થોડા અઠવાડિયા પછી તે એક મોટા આંદોલનમાં ફેરવાઈ ગયા અને તેમને સત્તા પરથી હટાવવાની માંગણીઓ શરૂ થઈ.